મોરબી: મોરબીના માળિયામાં મચ્છુ નદીમાંથી 55 વર્ષીય આધેડનો મૃતદેહ ગત તારીખ 4 જૂલાઈના રોજ મળી આવ્યો હતો. મૃતદેહના ડોકમાં ચુંદડી બાંધેલી અને ચુંદડીનો એક છેડો બાઈક સાથે બાંધેલો હતો. આવી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે ફોરેન્સિક પોસમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડ્યો હતો. જેમાં હત્યા થયાનો ખુલાસો થતાં પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે આરોપી પત્ની અને સાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જે બંને આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચુંદડી વડે ગળેફાંસો દઈને મોત: માળિયાના જુના અંજીયાસર ગામના રહેવાસી સાહિલ હાજીભાઇ મોવર નામના યુવાને આરોપી શેરબાનું હાજીભાઇ મોવર (રહે. જુના અંજીયાસર) અને ઇમરાન હૈદર ખોડ (રહે. ખીરઈ, તા.માળિયા) વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે ફરિયાદી સાહિલના પિતા હાજી અબ્દુલ મોવર (ઉ.વ.૫૫) પોતાની દીકરી પર અવારનવાર નજર બગાડતા હતા. જેથી ફરિયાદીની માતા શેરબાનુંએ તે બાબતનો ખાર રાખી પિતા હાજીભાઇની ચા અને શાકમાં ઘેનના ટીકડા નાખી બેભાન કરી દીધા હતા. જે બાદ તેમણે ચુંદડી વડે ગળેફાંસો દઈને મોત નીપજાવ્યું હતું.
પત્નીએ ગળેફાંસો આપી મોતને ધાટ ઉતાર્યો:
તેમજ આરોપી ઇમરાન હૈદર ખોડ જે ફરિયાદીના મામા થાય છે તેમણે ફરિયાદીની માતાને ગુનામાં મદદ કરી હતી. જે રીક્ષા લઈને આવી મૃતક હાજી મોવરને રીક્ષામાં બેસાડી મચ્છુ નદીના કાંઠે તલાવડીના પાણીમાં બાઈક સહીત મૃતદેહ ફેંકી દઈને પુરાવાનો નાશ કરી ગુનામાં મદદગારી કરી હતી માળિયા પોલીસે આરોપી પત્ની અને સાળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના ગુનામાં આરોપી પત્ની શેરબાનું મોવર અને સાળો ઇમરાન ખોડ એમ બંને આરોપીને ઝડપી લઈને માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે.