જૂનાગઢ: વિધવા પુત્રવધુને ખૂબ જ માનભેર સાસરે વળાવીને માતા પિતાની સાચી ભૂમિકાને ઉજાગર કરતો કિસ્સો જુનાગઢમાં સામે આવ્યો છે. અનિલભાઈ વાજાના પુત્ર વિપુલનુ ચાર વર્ષ પૂર્વે કેન્સરની બીમારીથી અવસાન થતા તેમની વિધવા પુત્રવધુ નિતાબેનને આજે સાસુ સસરાએ માતા-પિતા બનીને તળાજા ખાતે સાસરે વળાવી છે.
જૂનાગઢમાં સામે આવ્યો અનુકરણીય કિસ્સો: જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા અનિલભાઈ વાજાએ આજે ખૂબ જ પ્રેરણાદાય પ્રસંગમાં સમાજ જીવનના સાચા મૂલ્યો શું હોઈ શકે તેનું ઝળહળતું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. મધુરમ વિસ્તારમાં રહેતા અનિલભાઈ વાજાના પુત્ર વિપુલનું આજથી ચાર વર્ષ પૂર્વે કેન્સરની બીમારીથી અવસાન થયું હતું ત્યારબાદ અનિલભાઈના વિધવા પુત્રવધુ નીતાબેન અને તેમની બે પુત્રીઓ તેમની સાથે રહેતા હતા. એકમાત્ર સંતાન તરીકે પુત્રને બીમારીમાં ગુમાવનાર માતા પિતાએ તેમની ગેરહાજરીમાં તેની પુત્રવધુ અને બે દીકરીઓનું ભવિષ્ય ન બગડે તે માટે અનુકરણીય પ્રયાસ કર્યો છે. અનિલભાઈ વાજાએ તેમની વિધવા પુત્રવધુ નિતાબેનને તળાજાના પંકજ સાથે ફરી સાસરે વળાવીને તેના જીવનમાં એક નવો પ્રકાશ પાથરવાનો અનુકરણીય પ્રયાસ કર્યો છે.
ભવનાથમાં યોજાયા લગ્ન: અનિલભાઈ વાજા દ્વારા તેમની વિધવા પુત્ર વધુના લગ્ન ભવનાથમાં આવેલા બાલનાથ મહાદેવ મંદિરમાં સંપન્ન કરાયા હતા. જેમાં ધોબી જ્ઞાતિના અગ્રણીઓની સાથે અનિલભાઈ વાજાના પરિવારજનો પણ ખૂબ જ ઉત્સાહ સાથે આ લગ્ન વિધિમાં જોડાયા હતા. જે રીતે અનિલભાઈ નીતાબેનને તેમના પુત્રવધુ તરીકે લગ્ન કરીને જુનાગઢ લાવ્યા હતા. બિલકુલ તે જ રીતે આજે ફરીથી સસરાની સાથે સાથે માતા પિતાની ભૂમિકા ભજવીને વિધવા પુત્રવધુ નીતાબેનને તળાજા રહેતા પંકજ સાથે ફરી લગ્નગ્રંથીથી જોડીને તેને વાજતે ગાજતે કન્યાદાન સાથે વિદાય આપી હતી. અનિલભાઈ માને છે કે, આ પ્રકારનું પગલું સમાજને એક નવી પ્રેરણા આપે અને કોઈ પણ વિધવા પુત્રવધુનું જીવન પતિની ગેરહાજરીમાં ડામાડોળ ન બને તે માટે તેમણે ફરીથી પુત્રવધુને માતા-પિતા બનીને સાસરે વળાવી છે. પ્રત્યેક સમાજ જીવનમાં એક આદર્શ દ્રષ્ટાંત ઉભું થાય તે માટે પણ તેમણે તેમની વિધવા પુત્રવધુને ફરીથી સાંસારીક જીવનમાં મોકલીને સાસુ સસરાની સાથે માતા પિતાની ભૂમિકા પણ ભજવવાનો ગર્વ અનુભવ્યો હતો.