જૂનાગઢ: જૂનાગઢના રેસ્ટોરન્ટ સંચાલકે મતદાનને પ્રાધાન્ય મળે તેમજ પ્રત્યેક વ્યક્તિ ને બંધારણે આપેલ અધિકારનો ઉપયોગ કરે તે માટે ખાસ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી છે. જુનાગઢ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મતદાનના દિવસે તમામ રેસ્ટોરન્ટમાં 7%ના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. પરંતુ તેમાં 3 ટકાનો વધારો કરીને પટેલ રેસ્ટોરન્ટના સંચાલકે મતદાન બાદ ભોજન માટે આવતા ગ્રાહકોને 10% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
મતદાન કરો અને ભોજનમાં 10%ની મેળવો રાહત: આગામી 7 મેના દિવસે સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠકમાં મતદાનના દિવસે પ્રત્યેક વ્યક્તિ કે જે મતદાન કરીને ભોજન માટે રેસ્ટોરન્ટમાં આવશે તેવા તમામ ગ્રાહકોને જુનાગઢ હોટેલ એસોસિએશન દ્વારા 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઈ છે. ત્યારે તેમાં એક ડગલું વધુ આગળ ચાલીને જુનાગઢના પટેલ રેસ્ટોરન્ટના સંચાલકે મતદાનના દિવસે જુનાગઢ શહેરમાં આવેલી તેમની ત્રણેય શાખામાં મત આપ્યા બાદ ભોજન માટે આવતા પ્રત્યેક ગ્રાહકને એસોસિએશન દ્વારા જાહેર કરેલ 7% અને તેમના દ્વારા જાહેર કરેલું વધારાનું 3% મળીને કુલ 10% ભોજન બિલ માં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
ભોજનમાં ડિસ્કાઉન્ટથી મતદાનને પ્રોત્સાહન: પટેલ રેસ્ટોરન્ટના સંચાલક વિશાલ લાખાણીએ ETV ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, મતદાનના દિવસે ભોજન બિલમાં ડિસ્કાઉન્ટ આપવાથી પ્રત્યેક મતદાતાને મતદાન પ્રત્યે હકારાત્મક અભિગમ ઉભો થાય અને જે લોકો મતદાન પ્રત્યે ઉદાસીનતા કેળવે છે તેમાં ઘટાડો થાય અને સૌથી વધુ સંખ્યામાં મતદારો બંધારણે આપેલ તેમના અધિકારનો બિલકુલ મુક્ત મને ઉપયોગ કરે તે માટે તેમણે આ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી છે. ગત વર્ષે પણ વિધાનસભાની ચૂંટણીના સમયે પટેલ રેસ્ટોરન્ટની ત્રણેય શાખામાં આ જ પ્રકારે મતદાન બાદ આવનાર પ્રત્યેક ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપવાની યોજના બનાવી હતી જેમાં સફળતા મળી છે. જેથી આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં પણ તે જ પ્રકારે ભોજન બિલમાં ડિસ્કાઉન્ટ આપવાની યોજના શરૂ કરી છે. જે મતદાનના દિવસે રાત્રિના આઠ વાગ્યા સુધી અમલમાં રહેશે.