સુરત: પુણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશથી 4 શખ્સો એક દેશી હાથ બનાવટનો તમંચો લઇ સુરતમાં આવી રહ્યા છે. જેથી પોલીસે બાતમી મુજબ વોચ ગોઠવી, સીમાડાથી પર્વત પાટિયા તરફ આવતા કેનાલ રોડ પર પાસેથી એક કારને અટકાવી હતી.
પોલીસે મહિપાલસિંહ રણવીરસિંહ ગુર્જર, અનિલ ઉર્ફે છોટુ રાજેન્દ્ર પાલ, કલ્લુ ઉર્ફે રાજુ પાલ અને જોની મુન્નાલાલ કુશવાહને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટના તમંચો અને મોબાઈલ તથા કાર મળી કુલ 10.30 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપીઓ તમંચો શા માટે લઈને ફરતા હતા તે અંગે પૂછપરછ કરતા જણાવ્યુ હતું કે, મુખ્ય આરોપી મહિપાલસિંહ ગુર્જર તેમની પત્ની સાથે ઓકટોબર 2018માં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા.
લગ્નજીવન દરમિયાન મહિપાલસિંહ ગુર્જરે પોતાના અને પત્નીના નામ પર ગ્વાલિયર મકાન ખરીદ્યું હતું. બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ સબંધ બંધાતા માર્ચ 2024 મહિપાલસિંહ ગુર્જરે તેમની પત્ની સાથે ડિવોર્સ લીધા હતા. બાદમાં તે મકાન મહિપાલસિંહના નામ પર કરાવવા મથામણ ચાલતી હતી. પત્ની માર્ચ 2024ના અંતમાં સુરત રહેતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેથી મહિપાલસિંહ તેની પૂર્વ પત્નીનું અપહરણ કરી પ્રેમી પાસેથી લઇ જવાના ઈરાદે અન્ય ત્રણ શખ્સો સાથે સુરત આવતો હતો. જોકે, તે પૂર્વ પત્નીનું અપહરણ કરે તે પહેલા જ પોલીસે તે ચારેયની ધરપકડ કરી છે. પોલીસે તમંચા આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.