ભાવનગરઃ નવરાત્રીને ગણતરીના બે થી ત્રણ દિવસ જ માંડ બાકી રહ્યા છે ત્યારે ભાવનગરની ઊંડી વખારમાં ફુલહારના વેપારીઓને ત્યાં નવીન પ્રકારના હાર, ચૂંદડી, ધૂપ અને ગુગળ વગેરે બજારમાં આવી પહોંચ્યું છે. જેને પગલે લોકો દ્વારા ખરીદીનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. ભાવ વધારો ગત વર્ષ કરતા છે, પરંતુ તેની સામે નવી વેરાઈટીઝ પણ બજારમાં આવી છે.
હાર ચૂંદડી આવ્યા બજારમાં પણ ભાવમાં વધારો
ભાવનગર શહેરની ઊંડી વખારમાં ફુલહાર વહેંચતા વેપારીઓને ત્યાં નવરાત્રીમાં માતાજીને લગાવવાના હાર અને અર્પણ કરવાની ચુંદડીઓ અવનવી વેરાઈટીઝમાં જોવા મળી રહી છે. ત્યારે ઊંડી વખારમાં દુકાન ધરાવતા જીનલ શાહે જણાવ્યું હતું કે, આ વર્ષે ભાવમાં 15 થી 20 ટકાનો વધારો છે. જો કે આ શ્રદ્ધાનો વિષય છે. લોકો ખરીદી કરે છે, આ વર્ષે થોડી મોંઘવારી દેખાય છે. આમ છતાં પણ લોકોની ખરીદી જોવા મળી રહી છે.
ભાવ અને વેરાયટીઓ નવી કેવી બજારમાં
નવરાત્રીમાં માતાજીને અર્પણ કરવાના હાર અને ચુંદડી તેમજ ગુગળ, ધૂપ વગેરેને લઈને દુકાનદાર જીનલબેન શાહે જણાવ્યું હતું કે, ગત વર્ષે મોતીવાળા હારની ખૂબ માંગ હતી. પરંતુ આ વર્ષે નવા ફુલવાળા હાર આવ્યા છે, જેમાં ગુલાબવાળું, સાટી વાળું જેવા અવનવા હારની માંગ રહેવાની છે. આ નવી વેરાઈટીઝમાં સોનેરી હાર પણ ખૂબ ટ્રેન્ડમાં છે. જોકે હાર અમારી પાસે 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના છે, જ્યારે ચૂંદડી 20 થી 30 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની અવનવી છે.
લોકો આંખો મીંચીને લે છે ચિઝો ધૂપ ગુગળનું મહત્વ
નવરાત્રીમાં ચુંદડી હારની સાથે ગુગળ અને ધૂપ આવશ્યક હોય છે, કારણ કે દરેક ઘરમાં માતાજીની આરતી થાય એટલે ગુગળ અને ધૂપ કરવામાં આવે છે, ત્યારે જીનલબેન શાહે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ગુગળ 60 થી 70 રૂપિયાના 100 ગ્રામ છે. જો કે ગુગળ અને ધૂપ લોકો આવશ્યક રીતે ખરીદી કરે છે, કારણ કે તેના વગર નવરાત્રીમાં ચાલતું નથી. જે નવરાત્રીમાં ફરજિયાત વસ્તુ કહેવામાં આવે છે.
ખરીદી કરવા આવેલા મહેન્દ્રભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, 17 વર્ષથી આ એક દુકાનેથી ખરીદી કરીએ છીએ. અમારે ચુંદડી હાર વગેરેની ખરીદીમાં કિંમત કે ભાવ જોવાના હોતા નથી, શ્રદ્ધાને પગલે જે હોય તે કિંમતે લઈ લેવાનું હોય છે.