બનાસકાંઠા: જિલ્લાના વડગામ તાલુકાના માહી ગામે એક મહિના પહેલા ભાઈની હત્યા કરી અકસ્માતમાં ખપાવી દેવાનું ષડયંત્ર રચનાર સગા ભાઈ અને 2 ભાગીયા સહિત 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી લીધો છે.
ભાભી સાથે અનૈતિક સંબંધો રાખવા ભાઇની હત્યા: કળિયુગમાં સગો ભાઇ પણ પોતાનો હોતો નથી આ વાતને સાબિત કરતી ઘટના બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ગામે બની છે. જે ભાઇએ પોતાના નાના ભાઇને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હોય જેને મોટો કર્યો હોય એજ નાનો ભાઇ પોતાના મોટા ભાઇનો હત્યારો બન્યો છે. ભાભી મા સમાન કહેવાય તે જ ભાભી પર દિયર અલ્તાફ નાંદોલીયાએ નજર બગાડી અને પોતાની ભાભી સાથે અનૈતિક સંબંધો બાંધ્યા અને એનું પરિણામ એ આવ્યું કે મોટા ભાઇ નિજામુદ્દીન નાંદોલિયાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનૈતિક સંબંધોના કારણે રોજ ઘરમાં થતા કંકાસને કારણે આખરે મોટા ભાઇનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ખેતરના ભાગીયાઓ સાથે મળીને ઘડી કાઢ્યો હતો. આખરે ટ્રેક્ટરની ટક્કર મારીને લોખંડની વોશીથી ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દિધો હતો.
ગ્રામજનોએ ખોલી હત્યારાઓની પોલ: હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારા નાનાભાઈ અલ્તાફ નાંદોલીયાએ મર્ડરને અકસ્માતમાં ખપાવી દિધો હતો. ત્યારબાદ મોટા ભાઇના મૃતદેહની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી અને પરિવાર પણ માની ગયો કે આ મોત અકસ્માતે થયું છે. મોટા ભાઇના મોત બાદ ગામમાં દિયર અને ભાભી વચ્ચેના અનૈતિક સંબંધોની વાતો થવા લાગી હતી અને મોટા ભાઇની મોતને લઇને ગ્રામજનોમાં શંકા કુશંકા થવા લાગી હતી. ગામના સીસીટીવી ફૂટેજ અને ગામમાં ચાલતી વાતોએ એ તરફ ઇશારો કર્યો કે આ અકસ્માત નથી હત્યા છે. અને આરોપીઓ વિરુદ્ધ અનેક મૌખિક પુરાવા મળ્યા જેથી સમગ્ર ગામ જિલ્લા પોલીસ વડા પાસે જઇને ફરીથી તપાસ કરવાની માંગ કરી હતી.
આરોપી ભાઇ અને અન્ય બે આરોપીની ધરપકડ: ગ્રામજનોની માંગને ધ્યાને લઇને મામલતદાર, પોલીસ ટીમ દ્વારા લાશને બહાર કાઢીને FSL દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં આ હત્યા થઇ હોવાનો મોટો ખુલાસો થયો હતો. પોલીસે પોતાની તપાસ કરતા આ હત્યા કોઈ અન્ય વ્યક્તિએ નહી સગા ભાઇએ પોતાના ભાગીયાઓ સાથે મળીને કરી હતી તેનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પોલીસે હાલ હત્યારા ભાઇ અલ્તાફ નાંદોલિયા, તેના ભાગીયા થરાના રહીમખાન બલોચ અને પાટણનો સલમાનખાન બલોચની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે. જોકે કળિયુગમાં સગા ભાઇએજ ભાભી સાથે અનૈતિક સંબંધો રાખવા માંટે ભાઈનું કાસળ કાઢી નાખતા સમગ્ર પંથકમાં આવા ભાઈ પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે.