ગાંધીનગર: આગામી 3 અને 4 જુલાઈના રોજ ભારતીય જનતા પાર્ટીની વિસ્તૃત પ્રદેશની કારોબારી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર BAPS સાળંગપુર ખાતે બોટાદ જિલ્લામાં યોજાવા જઈ રહી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળનારી કારોબારીમાં કેન્દ્રીય નેતૃત્વ હાજર રહેશે. પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેમનો સમાવેશ કેન્દ્રીય મંત્રીમંડળમાં થયો છે આથી પ્રદેશ પ્રમુખના પદ અંગે વિસ્તૃત પ્રદેશ કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે.
1300થી વધારે કારોબારીમાં કાર્યકર્તાઓ ભાગ લેશે: આ બે દિવસીય કારોબારીમાં અનેક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. પ્રદેશભરમાંથી આવેલા કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ વખતે બૃહદ કારોબારી હોવાના કારણે મંડળના પ્રમુખ સહિત પ્રદેશના કાર્યકરો અને નેતાઓ હજાર રહેશે. જેમાં 1300થી વધારે કારોબારીમાં કાર્યકર્તાઓ ભાગ લેશે. દેશમાં ત્રીજી વખત PMની આગેવાનીમાં NDAની સરકાર બની તેનો અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. 4 તારીખે નોંધણીથી કામકાજની શરૂઆત થશે જ્યાં 5 જેટલા સત્રો હશે અને તે મુજબ ચર્ચા કરવામાં આવશે.
વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે: ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીમાં ગુજરાતની દરેક સીટ પર પાંચ લાખથી વધુ મતની લીડથી જીતવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ આ લક્ષ્યાંક સિદ્ધ થયો નથી. બનાસકાંઠાની સીટ ભાજપને ગિમાવવી પડી છે. પ્રદેશ કારોબારીમાં આ તમામ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
સરકાર કાર્યવાહી કરશે: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં જેલમાં બંધ ટીપીઓ મનસુખ સાગઠીયાને મળવા ભાજપના બે નેતાઓ ગયા હતા. આ મુદ્દે પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, "મોટી દુર્ઘટનાઓમાં બીજેપીની સરકાર હંમેશા મજબૂતીથી કાર્યવાહી કરે છે. રાજકોટ દુર્ઘટના કાંડમાં સરકારે મજબૂતાઇથી કામ લીધું છે. મનસુખ સાગઠીયા સાથે ભાજપ નેતાઓની મુલાકાત થઈ કે નહિ એ એમને ખબર હશે પણ તપાસનાં અંતે જે વિષય ધ્યાનમાં આવશે તેને ચોક્કસ દંડિત કરશે એ મને વિશ્વાસ છે. રાજકોટ અગ્નિકાંડમાં ક્યાંય કોઈ પણ પ્રકારે ડાયરેક્ટ કે ઈન ડાયરેક્ટ સંડોવાયેલું હશે તો સરકાર કાર્યવાહી કરશે."