સુરત : વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમિકા પ્રેમીને કોઈ ઉપહાર આપવાના બદલે લૂંટી જાય તો ? સુરતની એક પ્રેમિકા પ્રેમીના 96 લાખ રૂપિયા ચોરીને પૂર્વ પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. આ લુંટેરી પ્રેમિકા વિરુદ્ધ સુરત શહેરના બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ પ્રેમિકા બે દીકરાની માતા છે અને છેલ્લા કેટલાક મહિનાથી લિવ ઈન પાર્ટનર સાથે રહેતી હતી.
સુરતની લુંટારી પ્રેમિકા : આ અંગે મળતી વિગત અનુસાર સુરેશ શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલ વિરામનગર સોસાયટીમાં રહેતા એક યુવકને તેના જ કોલોનીમાં રહેતી ભાડુઆત મહિલા સાથે પ્રેમ થયો હતો. યુવકને મહિલાએ પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો અને વેલેન્ટાઇન ડે દિવસે 96 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી.
લિવ ઇનમાં રહેતી હતી : 39 વર્ષીય પુરુષને તેની જ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી 29 વર્ષીય મહિલા સાથે પ્રેમ થયો હતો. બંને ત્યારબાદ કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડેથી રહેવા લાગ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ લીવ ઈન રીલેશનમાં રહેતા હતા. મહિલા પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ ભોગ બનનાર પુરુષ સાથે રહેવાની વાત પણ કરી હતી. મહિલા બે દીકરાની માતા પણ છે.
96 લાખ લઈ ફરાર : આ વચ્ચે યુવતી પોતાના અન્ય પ્રેમીને મળવા માટે અવારનવાર જતી હતી. જ્યારે ફરિયાદીને આ અંગે જાણ થઈ તો તેણે યુવતીને સમગ્ર બાબત વિશે પૂછ્યું. જેના જવાબમાં યુવતીએ જણાવ્યું કે, પ્રેમી સાથે તેનું બ્રેકઅપ પણ થઈ અને પ્રેમીએ તેના ઘરે આવવાનું બંધ કરી દીધું હતું. પોતાના ઘરમાં રહેવા માટે ફરિયાદીએ પોતાનું મકાન પણ વેચી દીધું અને તેના 96 લાખ રૂપિયા લઈને આવ્યો હતો. પરંતુ તેને ખબર નહોતી કે વેલેન્ટાઈન ડેના દિવસે જ તેની પ્રેમિકા આ રૂપિયા લઈને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ જશે. આ અંગે ભોગ બનનાર યુવકે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરીયાદ : ચોક બજાર પોલીસ મથકના ઈનચાર્જ વી.વી વાઘડીયાએ જણાવ્યું કે, ફરિયાદીના જણાવ્યા મુજબ હાલ તપાસ ચાલી રહી છે. 29 વર્ષીય યુવતી તેમજ તેના પ્રેમી વિરુદ્ધ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 14 ફેબ્રુઆરીના રોજ તેઓએ મકાનના રૂપિયા 96.44 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. ફરિયાદના આધારે હાલ તપાસ કરવામાં આવી રહી છે.