જૂનાગઢ: લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા દ્વારા ભાજપના જ સાંસદો ધારાસભ્યો અને સંગઠન પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. પાછલા બે દિવસથી જવાહર ચાવડા દ્વારા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની વ્યક્તિગત અને જિલ્લા ભાજપ કાર્યાલય કચેરી પર સવાલો ઊભા કર્યા હતા. ત્યારે ગઈ કાલે જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલે જવાહર ચાવડાનું નામ લીધા વગર તેમની અને પાર્ટીની જે મિલકત છે તેમાં કોઈ અનિયમિતતા હશે તો ફી કે દંડ ભરીને નિયમિત કરવાનો ખુલાસો કર્યો છે.
બે દિવસ બાદ જિલ્લા ભાજપ પ્રમુખનો ખુલાસો: લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા દ્વારા ભાજપના સાંસદ અને સંગઠન સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની વ્યક્તિગત અને ભાજપ કાર્યાલય પર પણ પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ સવાલો ઊભા કર્યા છે. પ્રમુખ કિરીટ પટેલનું ક્રિષ્ના ઓર્કેડ અને જિલ્લા ભાજપ કાર્યાલયનું બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું છે. તેના પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે.
ત્યારબાદ આજે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પત્રકાર પરિષદમાં જવાહર ચાવડાએ કરેલા આક્ષેપોને તેમનું નામ લીધા વિના પાયા વિહોણા ગણાવીને જિલ્લા ભાજપ કાર્યાલય અને તેમનું ક્રિષ્ના ઓર્કેડમાં કોઈપણ પ્રકારની ગેરરીતી સામે આવશે તો તેઓ ઇમ્પેક્ટ ફી કાયદા અન્વયે દંડ કે મિલકતની ફી ભરીને તેને રેગ્યુલરાઈઝ કરવામાં આવશે. જિલ્લા ભાજપ કાર્યાલય અને ક્રિષ્ના ઓર્કેટ બંનેની મંજૂરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.
જિલ્લા ભાજપ કાર્યાલય પર ખુલાસો: કિરીટ પટેલે જુનાગઢ જિલ્લા કાર્યાલયની મંજૂરી વર્ષ 2017 માં આપવામાં આવી છે. જેમાં પાર્ટીના કાર્યકરોના દાનથી આ મિલકત ઊભી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ કાર્યાલયના બાંધકામની મંજૂરી જી પ્લસ ફોર પ્રકારની હતી, પરંતુ પાર્ટીની સગવડતાને ધ્યાને રાખીને તેમાં જી પ્લસ ટુ બાંધકામ કરવામાં આવ્યું છે. 21 જુલાઈ 2017 માં સમગ્ર જમીન બિનખેતી કરવામાં આવી હતી અને આ જમીનનો દસ્તાવેજ ભાજપના દિગ્ગજ નેતા સુરેન્દ્ર કાકાના નામે થયેલો છે.
આ જગ્યા પહેલા રહેણાંક માટે બિનખેતી કરવામાં આવી હતી. બાદમાં તેને વાણિજ્ય હેતુ માટેના ફેરફારની મંજૂરી લઈને તેના પર જિલ્લા ભાજપ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. જેને 15 જુલાઈ 2017ના દિવસે જૂનાગઢની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમ છતાં જો કોઈ ચૂક રહી ગઈ હશે. તો ઇમ્પેક્ટ ફી ભરીને તેને રેગ્યુલરાઈઝ કરવાનું કામ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવશે. તેમના ક્રિષ્ના આર્કેડને લઈને પણ તેમણે મંજૂરી સાથે બાંધકામ થયું છે તેમ છતાં જો તેમાં કોઈપણ ગેરરીતી સામે આવશે તો તેમાં પણ ઇમ્પેક્ટ ફી અન્વયે દંડ ભરીને તેને પણ રેગ્યુલર કરવાની વાત જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કરી છે.
જવાહર ચાવડાનું નામ લીધા વગર કર્યા પ્રહારો: જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જવાહર ચાવડાનું નામ લીધા વગર તેમના પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ કાર્યાલય પર ટિકિટ માટે લાઈન લગાવી હતી, ભોજન કર્યું અને આજ કાર્યાલય પર કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ સન્માન પણ સ્વીકાર્યું છે. આ શબ્દો સાથે તેમણે જવાહર ચાવડા પર પ્રહાર કર્યા હતા. જવાહર ચાવડા દ્વારા જે પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. તેના પર તેઓ કશું કહેવા માગતા નથી તેવો જવાબ પણ આપ્યો હતો.
વધુમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશમાં જવાહર ચાવડાની આ પ્રકારની પ્રવૃત્તિને લઈને કોઈપણ પ્રકારનો રિપોર્ટ નહીં કરવાની વાત પણ તેમણે કરી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રદેશ અને પાર્ટીનું સંગઠન ખૂબ વ્યવસ્થિત રીતે જાણી રહ્યું છે, કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કોણ કરી રહ્યું છે. જવાહર ચાવડાના પત્ર બાદ અત્યાર સુધી પ્રદેશ ભાજપ કે પાર્ટી દ્વારા જિલ્લામાંથી કોઈ રિપોર્ટ મંગાવવામાં આવ્યો નથી જેથી તે મોકલવામાં આવ્યો નથી. વધુમાં કિરીટ પટેલે જવાહર ચાવડા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે "પાર્ટીના કાર્યકરોએ પ્રદેશ સંગઠનનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય બીજા કોઈના વિશ્વાસ સંપાદન કરવાની જરૂર જણાતી નથી."
આગામી દિવસોમાં સંગઠનમાં થશે ફેરફાર: કિરીટ પટેલે માધ્યમો સાથે કરેલી વાતચીતમાં એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે પાર્ટીના સંગઠન મુજબ કોઈપણ વ્યક્તિ પ્રમુખ પદે બે ટર્મ સુધી રહી શકે છે. પહેલી ટર્મ પૂરી થતાં બીજી ટર્મમાં કોરોના જેવી મહામારી આવી જેને કારણે પાર્ટીના તમામ સંગઠનાત્મક કાર્યક્રમો રોકી દેવામાં આવ્યા હતા. એકાદ મહિના બાદ તેમનો જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેના બીજી ટર્મનું કાર્યકાળ પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પ્રદેશ સંગઠન દ્વારા નવી નિમણૂકો કરવામાં આવશે. તે વાતને પણ તેમણે સમર્થન આપ્યું હતું. વધુમાં જવાહર ચાવડાના પત્રોથી પાર્ટીને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. વિસાવદર વિધાનસભાની ખાલી પડેલી બેઠકમાં જ્યારે પણ ચૂંટણી હાથ ધરાશે ત્યારે આ બેઠક ભાજપ-35,000 કરતાં વધારે મતોના અંતરથી જીતશે તેવો હુંકાર પણ કર્યો હતો.
પાર્ટી અને પરિવાર એક સમાન નાના મોટા ઝઘડા થયા કરે: પાર્ટીમાં ચાલી રહેલા વિખવાદને લઈને કિરીટ પટેલે પરિવારનું ઉદાહરણ આપીને માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાંચ વ્યક્તિના પરિવારોમાં પણ અસંતોષ અને વિરુદ્ધ સમયાંતરે સામે આવતા હોય છે, એ જ રીતે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ પણ એક પરિવાર છે તેમાં નાના-મોટા વિરોધાભાસો સર્જાતા હોય છે કેટલીક જગ્યા પર તે બહાર આવે છે તો કેટલીક જગ્યા પર તે બહાર આવતા નથી. જૂનાગઢનો વિવાદ પણ પાર્ટીના પરિવારનો વિવાદ છે અને તે અહીં બહાર આવ્યો છે.
આ પણ વાંચો: