જૂનાગઢ : વર્ષ 2024 - 25 નું વચગાળાનું સામાન્ય અંદાજપત્ર કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણ દ્વારા સંસદમાં રજૂ કરાયું છે. જેને અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરતા યુવાન અર્થશાસ્ત્રીઓએ આવકારવા ની સાથે આ વચગાળાનું બજેટ દેશના સર્વોત્તમ વિકાસ અને ઉન્નતિના શિખર પર લઈ જનારું ગણાવ્યું છે. આજનું સામાન્ય વચગાળાનું અંદાજપત્ર અર્થવ્યવસ્થાને પ્રાણ પૂરનારો સાબિત થશે. આજના આ બજેટમાં કૃષિ ક્ષેત્રને સર્વાંગી રીતે મદદ કરી શકાય તે માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ખેડૂતોને તમામ કક્ષાએથી મદદ થઈ શકાય તે માટે પીએમ કિસાન સંપ્રદા યોજના થકી પણ આ બજેટ દેશના પ્રત્યેક ખેડૂતો સુધી પહોંચવામાં સફળ રહેશે.
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો : આજના સામાન્ય અંદાજપત્રથી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થવાથી ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં તેજી આવવાની શક્યતા છે. ટેક્સ ઘટવાથી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક બેઝિક અને પાયાના ઉદ્યોગોને પણ ખૂબ મોટો ફાયદો આગામી દિવસોમાં વર્તમાન વચગાળાના નાણાકીય બજેટથી થઈ શકે તેમ છે. આજના આ બજેટમાં ખેતીલક્ષી યોજનાઓ પાછળ પણ કેન્દ્ર સરકાર આર્થિક સહયોગ આપવા માટે તત્પર છે તેવું પણ પ્રતિષ્પાદિત થાય છે જેને કારણે આજનું આ બજેટ ખેડૂત અને ખેતીલક્ષી જોવા મળે છે.
નેનો યુરીયા બાદ ડીએપી : પાછલા વર્ષો દરમિયાન ભારતમાં રાસાયણિક ખાતરોની દુનિયામાં ક્રાંતિકારી કદમ ભારતે ઉઠાવીને નેનો યુરીયા ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવ્યું છે. તેવી જ રીતે આજના આ વચગાળાના અંદાજપત્રમાં નેનો ડીએપી નો પણ ઉલ્લેખ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વિશેષ કરવામાં આવ્યો છે. નેનો યુરિયા થકી ખેતીની જમીનને સુધારી શકવામાં સફળતા મળી છે તેવીજ રીતે હવે નેનો ડીએપી થકી પણ રાસાયણિક ખાતરો થી જમીનને થતા નુકસાનથી બચાવવાની સાથે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખી શકાય તે દિશામાં પણ આ બજેટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
મહિલા સશક્તિકરણ નું બજેટ : આજના બજેટમાં મહિલા સશક્તિકરણને લઈને પણ નાણાપ્રધાન નિર્મલા સીતારમને ખૂબ જ ગંભીરતાપૂર્વક યોજનાઓને સામેલ કરી છે. આજનું આ બજેટ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની સાથે ગામડાઓની મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં સૌથી વધુ ભાગીદારી કરતી થાય તે માટે પણ આ બજેટમાં વિશેષ પ્રાવધાનો કરવામાં આવ્યા છે. આગામી વર્ષમાં ત્રણ કરોડ જેટલી મહિલાઓને ખાસ કરીને ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું એક સ્વપ્ન બજેટ દ્વારા કેન્દ્રની સરકારે જોયું છે જેને આવકારદાયક માનવામાં આપે છે.