દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ભાણવડ પંથકના સેઢાખાઈ ગામે હિન્દુ યુવકની હત્યાની ઘટના સામે આવી છે. ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામમાં રહેતા 24 વર્ષીય યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા નામના યુવકને આજથી દોઢેક વર્ષ પહેલા પોતાના જ ગામના ઈશા અબુ દેથાની પુત્રી રઝમા નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થયો હતો. જેથી બન્ને એ ઘરેથી ભાગી પ્રેમલગ્ન કરીને પોતાના ગામથી અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા.
કોમ અલગ હોવાથી પરિવારનો વિરોધ: લગ્ન બાદ પણ બંને પ્રેમીપંખીડાની કોમ અલગ અલગ હોવાથી યુવતીના પરિવારજનો આ લગ્નનો વિરોધ કરતા હતા. ત્યારબાદ હાલ દોઢ વર્ષ જેવો સમય વીત્યા બાદ યાજ્ઞિક અને રઝમાના ઘરે દોઢ મહિના પહેલા એક પુત્રીનો જન્મ થયો હતો. આથી બંન્ને પતિ પત્ની પોતાના ગામ પરત આવ્યા હતા.
યુવતીના પરિજનોએ કરી યુવકની હત્યા: યુવતીના ભાઈ નામે સાજીદ ઈશા દેથા, સલીમ દેથા, જૂમા દેથા, આદમ મુસા, ઓસમાન મુસા, હોથી દેથા દ્વારા યુવક જ્યારે ગામમાંથી બહાર નીકળે અને એકલો હોય તેવો સમય પસંદ કરીને યુવતીના 6 જેટલા પરિવારજનોએ યુવક યાજ્ઞિક દુધરેજીયા ઉપર જાન લેવા હુમલો કરીને ધોકા, કુહાડી, લોખંડના પાઇપ તેમજ છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે યુવકને માર મારતા યુવકનું મોત નિપજ્યું હતું અને આ આ રીતે ગુનો આચરી તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસ દ્વારા આરોપીઓ ઝડપાયા: ભાણવડ પોલીસ સ્ટેશનમાં ખૂનની કલમો ઉમેરીને ફરિયાદ નોંધાવવામાં આવતા દ્વારકા જિલ્લા LCB, SOG ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, તેમજ ભાણવડ પોલીસની ટીમો દ્વારા ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા, ત્યારે દોઢ માસની માસુમ બાળકીને હાથમાં રાખી મૃતક યાજ્ઞિકની પત્ની સરકાર પાસે ગુનેગારોને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી હતી.