વાપી: ગત 25મી જૂન 2024ના રાત્રીના આશરે 11 વાગ્યા આસપાસ વાપી રેલવે સ્ટેશન નજીક બલીઠા પાસે રેલવે ટ્રેક પર એક સિમેન્ટનો થાંભલો મૂકી રેલવે સંપત્તિને અને મુસાફરોની સુરક્ષાને જોખમમાં મુકવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઘટનામાં રેલવે પોલીસે એક નેપાળી યુવકની ધરપકડ કરી છે. પકડાયેલ નેપાળી યુવકનું નામ ધ્રુવ મંદિરે રાવત છે. જે મૂળ નેપાળના અછામ જિલ્લાના રાવતપાડા ઘુઘુરકોટનો રહેવાસી છે. અને હાલ વાપી નજીકના બલિઠા ગામે એક એપાર્ટમેન્ટમાં પોતાની પત્ની અને બાળકો સાથે રહે છે.
ટ્રેક પર થાંભલો મૂકી ફરાર: આ નેપાળી યુવક દમણમાં એક ચાઈનીઝ ફૂડની દુકાનમાં કામ કરે છે. જે દરરોજ રાત્રે દમણની ચાઇનીઝની લારી પરથી વાપી આવતો હતો. જે દરમ્યાન બલિઠા નજીક રેલવે ટ્રેક ક્રોસ કરીને ઘરે જતો હતો. હાલ આ ટ્રેકની બન્ને તરફ રેલવે ફેંસિંગનું કામ ચાલુ છે. ત્યારે, ટ્રેક ઓળંગતી વખતે થાંભલો દેખાતા તેને અપ રેલવે ટ્રેકના પૂર્વ તરફના પાટા ઉપર મુકી તે ફરાર થઇ ગયો હતો.
રેલવે પોલીસને જાણ કરવામાં આવી: આ ઘટના રેલવે વિભાગના ધ્યાને આવ્યાં બાદ તાત્કાલિક થાંભલાને દૂર કરવામાં આવ્યો હતો. તેમજ ઘટનાની જાણકારી પશ્ચિમ રેલવેના DRM અને રેલવે પોલીસને કરવામાં આવી હતી. DRM એ અન્ય અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ કરી આ કૃત્ય કરનારને ઝડપી પાડવા આદેશ કર્યો હતો.
CCTV ના આધારે આરોપીની તપાસ: રેલવે સંપત્તિને નુકસાન કરવા તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની શારીરિક સલામતી જોખમમાં મુકવાની આ ગંભીર ઘટના બાદ રેલવે પોલીસ દોડતી થઇ હતી. આરોપીને પકડવા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે થાંભલા મૂકી ટ્રેન ઉથલાવવાના પ્રયાસનું પગેરું મેળવી ધ્રુવ મંદિરેની ધરપકડ કરી છે. જેને કોર્ટ સમક્ષ રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આટલી કલમો લગાવાશે: ઉલ્લેખનીય છે કે, રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મુકનાર ધ્રુવ મંદિરે સામે વાપી રેલવે પોલીસે IPC કલમ 336 તથા ભારતીય રેલવે અધિનિયમ કલમ 152 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, પશ્ચિમ રેલવેના મુંબઈ થી વડોદરા તરફના અપ-ડાઉન રેલવે ટ્રેક પર આ પહેલા પણ ઉમરગામ નજીક એક યુવકે પથ્થર મુક્યો હતો. એ પહેલાં અતુલ નજીક પણ રેલવે ટ્રેક પર સિમેન્ટ નો પોલ મૂકી ટ્રેન અને મુસાફરોને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો થઈ ચૂક્યા છે. પરંતુ દરેક વખતે રેલવે વિભાગની સતર્કતાથી મોટી જાનહાની ટળી જાય છે. ત્યારે આવા કૃત્યો કરનાર સામે રેલવે પોલીસ સખત કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે.