રાજકોટ: યાજ્ઞીક રોડ પર રાત્રીના સમયે શો-રૂમ નજીક પાર્ક કરેલી કાર સાથ બીજા કાર ચાલકે રીવર્સ લેતા અકસ્માત થયો હતો. જે ઘટનાનો CCTV ફૂટેજ વાયરલ થયો છે. જેમાં ભૂલ કરનાર કાર ચાલક બીજા કાર ચાલક સાથે બાખડતો જોવા મળ્યો છે. જેમાં પોલીસ વચ્ચે આવતા તેની સાથે પણ ઝપાઝપી કરતો જોવા મળ્યો હતો. જે અંગે પોલીસ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાર્ક કરેલ કાર સાથે કાર અકસ્માત થયો: બનાવની મળતી વિગત મુજબ રાજકોટના યાજ્ઞિક રોડ પર બ્લેકબેરીના શો-રૂમની સામે પાર્ક કરેલ કારમાં કાર અકસ્માત થયો હતો. જેમાં રાજકોટના કોઠારીયા કોલોની રહેતાં કાર્તિક રાઠોડે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે, આરોપી તરીકે કાર નં. GJ.03.MR.9280ના ચાલક અભિષેક ઠુમ્મરનું નામ આપ્યું છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે રાત્રિના સમયે તે પરિવાર સાથે કાર નં. GJ.03.LM.0230 લઈ રેસકોર્ષથી બેસીને યાજ્ઞિક રોડ રાજમંત્ર કોલ્ડ્રીંક્સ નામની દુકાને ગયા હતા અને ત્યાં દુકાન પાસે ગાડી પાર્ક કરી પરિવાર સાથે ત્યાં દુકાન પાસે ઉભા હતા.
કાર ચાલકે ફરિયાદી અને તેની માતા પર કર્યો હુમલો: આ દરમિયાન એક કિઆ કારનો ચાલક તેમની કાર રિવર્સમાં લેતો હોય ત્યારે ફરિયાદીની કારની આગળની બાજુ તેની કાર અથડાતા આગળના ભાગે બમ્પરમાં નુકશાન થયું હતું. તેઓએ આરોપીની કાર પાસે જઈને કહ્યું કે, કાર જોઈને ચલાવતા જાવ મારી કારમાં અથડાતા નુક્શાન થયેલ છે તેવું કહેતા કારચાલક કારમાંથી નીચે ઉતરી તેમની પાસે આવી તું કોને કહે છે, તેમ કહીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન તેમની માતા ઉષાબેન અને પિતા ભુપતભાઈ છોડાવવા વચ્ચે આવતા કારચાલકે તેમની માતાને પણ ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો.
કારચાલકે પોલીસ સાથે માથાકૂટ કરવાનું શરુ કર્યુ: આરોપી ભાગવા જતા પોલીસની ગાડી આવી જતા કારના ચાલકને અટકાવી તેનું નામ પૂછતાં અભિષેક ઠુમ્મર હોવાનુ જણાવતાં તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદી યુવાન પરથી એ ડિવિઝન પોલીસે કારનો અકસ્માત સર્જીને મારામારી કરનાર કારચાલકની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. ઝઘડા સમયે જ ત્યાંથી પોલીસની વેન નીકળી હતી જેથી, પોલીસે માણસો જોઈને વાહન અટકાવ્યું હતું. ઝઘડાના સ્થળે જઈ પૂછપરછ કરતાં કારચાલકે ઉશ્કેરાઈને પોલીસ સાથે પણ માથાકૂટ કરવાનું શરૂ કર્યું હતું અને આ દરમિયાન પોલીસ સાથે પણ અભિષેક ઝપાઝપી કરવાનું શરૂ કર્યું હતું. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.