અમદાવાદઃ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડા હવે પોતાનાં જ પક્ષ ભાજપ સામે બંડ પોકારી રહ્યા છે. જેમાં ખાસ કરીને લોકસભા ચૂંટણી બાદ MP મનસુખ માંડવીયાને લઈને થયેલા વિવાદ બાદ ફરી તેમણે સીધો વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી છે. જોકે તેમના પત્ર પછી તેમની ફરી કોંગ્રેસમાં આવવાની વાતોને વેગ મળ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના નિવેદનથી તેમના માટે કોંગ્રેસના દ્વાર ખુલ્યા હોવાનું રાજકીય પંડીતો માની રહ્યા છે.
શું લખ્યું છે ચાવડાએ પત્રમાં? જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે. આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જુનાગઢ આમાં અપવાદ છે.
આમ જવાહર ચાવડા દ્વારા સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે અને ત્યારથી જ જૂનાગઢ સહિત રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
શું કહે છે કોંગ્રેસના પ્રવક્તા? ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી ETV BHARAT સાથે વાત કરતા જણાવે છે કે, ભાજપાની સત્તાની લડાઈ આસમાને છે, અહંકાર એટલો છે કે કેટલાક લોકોને પક્ષ પલટા પછી પણ પોતાનો મોહ ભંગ થતો દેખાય છે. ભાજપમાં ત્રણ પ્રકારના જૂથો અત્યારે કાર્યરત છે. એક મૂળભૂત RSS વિચારધારા વાળું જેણે પાયાનું કામ કરીને પાર્ટીને ઊભી કરી હોય. બીજું જૂથ છે સત્તા સાથે કોન્ટ્રાક્ટ, ટેન્ડર, ભ્રષ્ટાચાર, કાંડ ખનીજ ચોરી, લૂંટ બેફામ કરે છે તે સત્તાનું લાભાર્થી જૂથ છે. જે સત્તાની ખુરશી સાથે ચોંટીને તકવાદી રાજકારણ કરી રહી છે અને તે જૂથ અત્યારે સત્તામાં હાવી છે.
ત્રીજું જૂથ છે તે પક્ષ પલટોઓનું જૂથ છે અનેક લોભ, લાલચ, મહત્વકાંક્ષા, કુંડાળામાં પગ આવ્યો હોય તો બચવા માટે, જેલમાંથી મહેલમાં આવવા માટે છે. તે જૂથ અત્યારે સાહેબ તરીકે વર્તી રહ્યું છે. અને આ ત્રણે જૂથો વચ્ચેના ખેલનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે.
મનીષ દોશીએ એ પણ જણાવ્યું હતું કે જવાહરભાઈએ જે પત્રમાં ઉલ્લેખ કર્યો છે તે કૌભાંડ અને કાંડની વાત કરી છે. કેવી રીતે જૂનાગઢની જનતા પીડાઈ રહી છે અને હેરાન થયેલી છે, કેવો ભ્રષ્ટાચાર ચાલે છે. જવાહર ભાઈએ જે ગામથી લઈને ગાંધીનગર સુધી અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર ચાલે છે તેને ઉજાગર કર્યો છે. આ માત્ર વેદના જુનાગઢ પૂરતી નથી પરંતુ સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓને લૂંટવા અને વિશ્વાસઘાત કરવો એ ભાજપાનો નીતિમત નિર્ણય થઈ ગયો છે. સાથે તેમના દ્વારા એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ સત્તા માટેની લડાઈ નથી આ સેવાનો યજ્ઞ છે આ યજ્ઞમાં જે કોઈ લોકો જોડાવા માંગતા હોય તેને કોંગ્રેસ પક્ષ ખુલ્લા મને આવકારે છે.