અમદાવાદ: મહાત્મા ગાંધીને અહિંસાના પૂજારી કહેવાય છે, સાબરમતીના સંત કહેવાય છે, એ દાંડી યાત્રાની સફળતાના કારણે જાણીતા બન્યા છે. 12, માર્ચ એ દાંડીયાત્રા દિવસ છે. આજે ગાંધીજીની દાંડીયાત્રાને 94 વર્ષ સંપન્ન થયા છે, પણ વિશ્વ હજી પણ દાંડીયાત્રાને સવિનય કાનૂનભંગની સૌથી અસરકારક યાત્રા તરીકે ગણાવે છે.
61 વર્ષની વયે ગાંધીજી એ કરી હતી દાંડી યાત્રા: દેશ અને વિશ્વ જેને દાંડી યાત્રા કે નમક યાત્રા તરીકે ઓળખે છે એ ગાંધીજીનો અંગ્રેજ સરકાર સામે નમક વેરા સામેનો સત્યાગ્રહ હતો. 12, માર્ચથી 6, એપ્રિલ- 1930 દરમિયાન સતત 24 દિવસ સુધી ગાંધીજીએ પોતાના 79 સાથી સાથે યાત્રા કરીને અંગ્રેજ સરકારને પાયાથી હચમચાવી નાંખી હતી. દૈનિક આશરે 10 માઇલનું અંતર કાપતી દાંડી યાત્રાનો આરંભ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી થયો હતો અને તેનો અંત નવસારી જિલ્લાના દાંડી ખાતે થયો હતો. દાંડી યાત્રાના માર્ગમાંં આવતા ગામોમાં ગાંધીજી તેમના સાથીઓ સાથે પ્રવચન કરતા, પ્રાર્થના કરતા અને રાતવાસો કરતા હતા. કુલ 241 માઈલની દાંડી યાત્રા મહાત્મા ગાંધીએ 61 વર્ષની વયે આદરી હતી. 6, એપ્રિલના રોજ ગાંધીજીએ દાંડી ખાતે ચપટીક મીઠું ઉપાડીને અંગ્રેજ સરકાર સામે સવનિય કાયદાનો ભંગ કરી દેશવાસીઓે અન્યાયી કાયદા અને અંગ્રેજ શાસન સામે સત્યાગ્રહ કરવાની હાકલ કરી હતી.
ગાંધીજીએ કેમ નમક સત્યાગ્રહ કર્યો હતો: આઝાદીની લડતમાં ગાંધીજીએ ચૌરીચોરાની હિંસા બાદ અહિંસા અને અસહકાર આંદોલનને પોતાની લડતમાં અગ્રસ્થાન આપ્યું હતુ. 1930માં કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક ગાંધી આશ્રમ ખાતે મળી હતી જેમાં દેશની આઝાદીની લડતનું નેતૃત્વ મહાત્મા ગાંધીને સોંપાયુ હતુ. ગાંધીજી અહિંસા અને અસહકારના માધ્યમથી અંગ્રેજ સરકાર સામે કાનૂન ભંગની લડત આદરે તો કોંગ્રસના સૌ સભ્યો અને આગેવાનો ગાંધીજીની સાથે જોડાશે એ નક્કી થયું. 1930ના ફ્રેબુઆરી માસમાં ગાંધીજીએ પોતાની લડતમાં ઘરે ઘરે વપરાતા નમક પર સરકારના વેરા સામે લડત આપવા વિચાર્યુ અને મીઠાના અગરો સુધી લડતને પહોંચાડવાના મનસુબા નક્કી થયા. એ સમયે 82 રતલ મીઠાની કિંમત 10 પાઈ હતી, જેની પર કર લેખે 20 આના એટલે કે 240 પાઈનો કર વસુલાતો હતો. મીઠાની ઉત્પાદન કિંમતના 24 ગણી કિંમતે ભારતીયોએ મીઠું બજારમાંથી ખરીદવું પડતુ. અંગ્રેજ સરકારનો કેર એવો હતો કે કુદરતી કે પરવાના વિનાનું મીઠું પકવવું ગુનો થતો હતો. ગાંધીજીએ નમક અંગેના અંગ્રેજ સરકારના વલણની આકરા શબ્દમાં ટીકા કરતા કહ્યું હતું કે, સરકાર જ લોકોનું મીઠું ચોરે છે, અને એ ચોરીની સજા ચીજ માટે લોકો પાસેથી ભારે વેરો લે છે. આમ, અંગ્રેજ સરકારના નમક અંગેના કાળા કાયદાની નીતિનો વિરોધ કરવા ગાંધીજીએ નમક સત્યાગ્રહ આદર્યો હતો
દાંડી યાત્રા માટેનું આયોજન સરદાર પટેલે કર્યું હતુ: 1930ની 12મી માર્ચે દાંડી યાત્રાના આરંભ પહેલા જ્યાં દાંડી યાત્રા ફરવાની છે ત્યાં જઈને, સ્થાનિક લોકોના સહયોગથી યાત્રાની સફળતા માટેનું પાયાનું આયોજન સરદાર પટેલે કર્યું હતુ. સરદાર પટેલ જ્યારે મહિસાગર નદી કાંઠે વસેલા કંકાપુર ગામે સ્થાનિકોને સભા સંબોધવાના હતા એ પહેલા જ અંગ્રેજ સરકારે 7, માર્ચે સરદાર પટેલની ધરપકડ કરી હતી. સરદાર પટેલની ધરપકડ કરવાની સાથે તેમને ત્રણ મહિનાની કેદ અને રૂ.2,500નો દંડ વસુલ કરાયો હતો. પણ સરદાર પટેલે પોતાની ધરપકડ પહેલા જ દાંડીયાત્રાની સફળતા માટેનું માતબર આયોજન કરી નાંખ્યુ હતુ.
દાંડીયાત્રા નીકળેલા ગાંધીજીએ ઉચ્ચાર્યા હતા આ શબ્દો: દાંડીયાત્રાનો આરંભ સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભાથી થયો હતો. પ્રાર્થના સભામાં ગાંધીજીને સાંભળવા અનેક લોકો ઉપસ્થિત થયા હતા. ગાંધીજી માટે દાંડી યાત્રા એ અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે કાયદાનો સવિનય ભંગ હતો. દાંડીયાત્રા માટે નીકળતા પહેલા ગાંધીજીએ પોતાના વિદાય સંબોધનમાં ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર મૂક્યો હતો. ગાંધીજીએ પોતાના ભાષણમાં રચનાત્મક કાર્યક્રમો કરી આઝાદીની લડતમાં સહભાગી થવા હાકલ કરી હતી. ગાંધીજીએ દારુનાં પીઠાં અને વિદેશી કાપડનો વિરોધ કરવા કહ્યું હતુ. ઉપસ્થિત જનમેદનીને ગાંંધીજી મહેસૂલ નહીં ભરવા હાકલ કરી. તો વકીલોને વકીલાત છોડી આઝાદીની લડતમાં જોડાવવા કહ્યું હતુ. ગાંંધીજીએ દાંડીયાત્રા સમયે પોતાના સંઘર્ષને આ વાક્યોમાં રજૂ કર્યો હતો કે, મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે. હું કાગડાને મોતે મરીશ, હું કુતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.