અમદાવાદ: એસજીવી ખાતે આવેલા ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની 2 વર્ષની બાળકીનું વિજય મહતો નામના આરોપીએ તા. 21ની મોડી રાત્રે વસ્ત્રાપુર તળાવ પાસે લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ કરવાના ઇરાદા સાથે અપહરણ કર્યું હતું. પરંતુ શ્વાનનું ટોળું ભસવા લાગતા આરોપી બાળકીને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો.
આરોપી બિહારનો રહેવાસી છે: સ્થાનિક લોકોએ બાળકીને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશનમાં સોપી હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સીસીટીવી દ્વારા શોધખોળ કરતા વિજય મહતો નામના બિહારના આરોપીને જે ફાઇવ સ્ટાર હોટલોમાં છૂટક મજૂરી કામ કરે છે તેને ઝડપી પાડ્યો હતો અને તેને પૂછપરછ કરતા આરોપીનો બાળકીને અપહરણ કરવાનો શું ઇરાદો હતો તે જણાવ્યું હતું.
અપહરણ મામલે આરોપીની ધરપકડ કરાઇ: ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વસ્ત્રાપુરમાં બાળકીનું અપહરણ કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગુરુદ્વારા-વસ્ત્રાપુર રોડ પર સાઈડ પર સૂતેલા પરિવારની બાળકીનું તા. 21ની મોડી રાતે અપહરણ કર્યું હતું. જે અંગે બિહારના વિજય મહતો નામના આરોપીની આજે વહેલી સવારે ધરપકડ કરાઈ છે. આરોપી 5 સ્ટાર હોટેલોમાં છૂટક મજૂરીનું કામ કરે છે. પ્રાથમિક પૂછપરછમાં અપહરણ કરવાનું કારણ બાળકી પર દુષ્કર્મ ગુજારવાનું જ હોવાનું આરોપીએ કબૂલ કર્યુ છે
બાળકીને મૂકીને આરોપી ભાગ્યો: ACPના જણાવ્યા મુજબ અપહરણ બાદ શ્વાનનું ટોળું ભસવાનું ચાલું કરતા બાળકીને વસ્ત્રાપુર તળાવ પાસે જ મૂકીને આરોપી ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ બાળકીને રેસ્ક્યુ કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જે બાદ પોલીસે CCTVના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે સતત 36 કલાકની શોધખોળ બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.