જૂનાગઢ: રાજ્યની વડી અદાલતે ટુ-વ્હીલર વાહનચાલકોમાં ચાલકની સાથે પાછળ બેઠેલી વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું તે પ્રકારના દિશા નિર્દેશો જાહેર કર્યા છે. જેને જૂનાગઢના સ્થાનિક ટુ-વ્હીલર ચાલકો આવકારી રહ્યા છે. કોર્ટ દ્વારા વાહન ચાલકો અને તેમાં પણ ખાસ કરીને ટુ-વ્હીલર વાહનચાલકોની સુરક્ષા અને અકસ્માતમાં બાઈક ચાલકને થઈ રહેલા નુકસાનને લઈને જે આદેશ કરાયો છે. તેને જૂનાગઢના સામાન્ય બાઈક ચાલકો આવકારી રહ્યા છે. ડબલ સવારીમાં પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. તેનો પણ વાહનચાલકો સ્વીકાર કરી રહ્યા છે. પરંતુ તંત્રની ખોટી કનડગત સામે ચિંતા પણ વ્યક્ત કરી છે.

હાલ વાહનચાલકોમાં હેલ્મેટ પ્રત્યે ઉદાસીનતા: રાજ્યની વડી અદાલતે ગઈકાલે ફરજિયાત હેલ્મેટને લઈને રાજ્યની સરકાર અને લાગતા વળગતા વિભાગોને આદેશ કર્યો છે. ત્યારે આજે જૂનાગઢના મોટાભાગના માર્ગો પર એકલ દોકલ વાહન ચાલકો સિવાય કોઈપણ બાઈક ચાલકે હેલ્મેટ પહેરેલું સામે આવ્યું નથી. રાજ્યમાં જે અકસ્માતો થાય છે તેમાં મોટેભાગે બાઇક સવાર ભોગ બનતા હોય છે. હેલ્મેટ ન પહેરવાને કારણે પણ કેટલાક બાઇક ચાલકોને નુકસાન પણ થયું છે. આવી પરિસ્થિતિમાં હવે રાજ્યની વડી અદાલતે બાઈક ચાલકની સાથે પાછળ બેઠેલી ડબલ સવારીએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું તે પ્રકારના આદેશ જાહેર કર્યા છે.

ત્યારે આગામી દિવસોમાં હેલ્મેટના કાયદાના અમલને લઈને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાશે. અગાઉ પણ જ્યારે રાજ્યની સરકારે હેલ્મેટને ફરજિયાત બનાવી હતી. ત્યારે પણ આ જ પ્રકારે કડક અમલવારી થઈ હતી. પરંતુ થોડા સમય બાદ હેલ્મેટની અમલવારી ઢીલી પડતા મોટા ભાગના વાહન ચાલકો હેલ્મેટ વગર બાઈક ચલાવતા જોવા મળતા હતા. આ વાહન ચાલકોની નિષ્કાળજી આજે પણ જોવા મળે છે.