ભાવનગર: શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થતાં જ વેકેશનનો માહોલ ઊભો થઈ ગયો છે, ત્યારે માતા-પિતાઓ બાળકોને પુસ્તકમાંથી બહાર કાઢીને અન્ય પ્રવૃત્તિ તરફ વાળી રહ્યા છે. ભાવનગરમાં તાજેતરમાં સ્વિમિંગ એસોસિએશન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સ્વિમિંગ શીખનાર બાળકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે બાળકોને સ્વિમિંગ શીખવવા પાછળ માતાઓએ આપેલું કારણ સૌ કોઈને ચોકાવે તેવું છે. ગુજરાતની એક ઘટનાએ આજે દરેક માતાને પોતાના બાળકને સ્વિમિંગ શીખવવા મજબુર જરૂર કરી દીધા છે.
સ્વિમર એસોસિએશનના કેમ્પમાં શીખતાં બાળકો: ભાવનગરના નિલમબાગ સર્કલ ખાતે આવેલા મહાનગરપાલિકાના સ્વિમિંગપુલ ખાતે ભાવનગરના સ્વિમર એસોસિએશન દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને તરતા નથી આવડતું તેને શીખવવામાં આવી રહ્યું છે. જો કે વર્ષોથી ચાલતા કેમ્પમાં એસોસિએશનના સભ્ય અતુલભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, હું અહીંયા ભાવનગર સ્વિમર એસોસિયેશનમાં ખજાનચી છું. ભાવનગર સ્વિમર એસોસિયેશનનું આ દર વર્ષે ભાવનગરમાં આયોજન હોય છે. 100ની સંખ્યાની આસપાસ અહીંયા બાળકો બે બેન્ચમાં આવે છે. અત્યાર સુધીમાં તો અમે લગભગ દર વેકેશનને 300 જેટલા છોકરાઓ દર વર્ષે 15 વર્ષથી નાના બાળકોને અમે ટ્રેન કરીએ છીએ.
સ્વિમિંગ શીખનાર વિધાર્થીનીએ કહ્યું સ્વિમિંગ જરૂરી: કહેવાય છે કે, અગ્નિ, પાણી અને વાયુ સાથે ક્યારે ચેડા ન કરાય. પરંતુ મનુષ્યએ આ ત્રણે કુદરતી દેન સામે હંમેશા લડવાની અને બચાવની યુક્તિ પ્રયુક્તિઓ શોધી કાઢેલી છે. ત્યારે પાણીમાં પોતાના જીવને સુરક્ષિત રાખવો હોય તો સ્વિમિંગ શીખવું જરૂરી બની જાય છે. ત્યારે એવી વિદ્યાર્થીની કે જેને કેમ્પમાં તરતા શીખ્યું અને હવે અન્યને તરતા શીખવાડે છે. તેવી હેમાંશી મકવાણા જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી આ કેમ્પમાં આવું છું. આ વર્ષે આ વર્ષમાં કેમ્પમાં નાના નાના બાળકોને શીખવાડવા માટે આવું છું અને હું આજ કેમ્પમાં શીખી છું. હવે હું એ બાળકોને શીખવાડવા આવું છું. સ્વિમિંગ એટલા માટે જરૂરી છે કે, આપણે ક્યાંક દરિયે કે પાણીમાં ફરવા ગયા અને બોટ ઊંઘી વળી ગઈ હોય તો આપણને સ્વિમિંગ આવડતું હોય તો આપણી જાન આપણે બચાવી શકીએ પણ સાથે જો સ્વિમિંગ આવડે તો આપણે જાન પણ બીજાની બચાવી શકીએ છીએ. એ માટે આપણે સ્વિમિંગ જરૂરી છે.
ગુજરાતની એક ઘટનાએ માતાઓને મજબુર કરી: ETV BHARATએ કેમ્પમાં બાળકોને મોકલવા પાછળનું કારણ માતાઓ પાસેથી જાણ્યું હતું. જો કે તેમને જે જવાબ આપ્યો તે જરૂર ચોંકાવનારો છે. સ્વિમિંગ શીખતાં બાળકના માતા કાજલબેને જણાવ્યું કે, મારા બંને બાળકો ગયા વર્ષે સ્વિમિંગ પૂલમાં આવતા હતા. ગયા વર્ષે 15 દિવસનો જ લાભ મળ્યો હતો, પણ 15 દિવસમાં, જે બે કમ્પ્લીટલી શીખી ગયા હતા અને એક પેરેન્ટ તરીકે કહું તો સ્વીમીંગ એક કેવી વસ્તુ છે કે એક જીવન લીડ છે. જીવન જરૂરિયાત છે. જેમ કે હમણાં જ બરોડામાં દુર્ઘટના બની તેમાં બાળકોને તરતા આવડતું હોત તો એમાંથી ઘણા બધા બચી શક્યા હોત. એમ એટલે બાળકોને સ્વિમિંગ શીખવું એ જરૂરીયાત છે શોખ નથી, એટલે મા બાપ તરીકે હું એટલું જ કહીશ કે, અહીંયા જે ટ્રેનિંગ આપવામાં આવે છે જે શીખવાડવામાં આવે છે એ બાળકો માટે ખૂબ જ જરૂરી છે અને સંતોષ પણ છે કે ખૂબ પ્રેમથી બાળકોને શીખવાડે છે.
વેકેશનમાં પુસ્તક બહારની એક્ટિવિટી ગણાવતી માતા: કેમ્પમાં આવેલા એક બાળકના માતાએ સ્વિમિંગની જરૂરિયાત અને વેકેશનમાં બાળકો માટે પ્રવૃત્તિને લઈને કંઈક આ પ્રકારે જવાબ આપ્યો હતો. કિંજલબેન સંઘવીએ જણાવ્યું હતું કે, સ્વિમિંગ એક એવી એક્ટિવિટી છે. તે દરેક જગ્યાએ કામ લાગે છે. આજે કોઇ પણ જગ્યાએ ફરવા માટે જશો તમને સ્વિમિંગ આવડતું હશે, તમારા બાળકને આવડતું હશે. તો તમને એનું ટેન્શન નહીં રહે. ક્યારેક તમે એકલા મૂકીને પણ તમે એન્જોય કરી શકશો, એટલા માટે સ્વિમિંગ જરૂર છે. અત્યારે કોઈપણ જગ્યાએ ગયા અને કોઈ વ્યક્તિ ડૂબતું હોય તો આપણું બાળક પોતે તો બચી શકે પાછું એને પણ બચાવી શકે, એટલે આજે સ્વિમિંગ જરૂરી છે. મારે મત મુજબ આજે બાળકોને વેકેશનમાં બુકમાંથી કાઢી એક અલગ એક્ટિવિટી તરફ મોકલવા હોય તો એમાં એક સારો ઓપ્શન છે.