ભાવનગર : 21 મી સદીના ટેકનોલોજી યુગમાં મનુષ્યનું જીવન દિવસેને દિવસે સંકુચિત થતું જાય છે. એક ઘરને ચલાવવા માટે પતિ અને પત્ની એક સિક્કાની બે બાજુ છે. કોઈ એક તરફની પણ વ્યક્તિ જિંદગીના ત્રાજવાને પ્રમાણસર રાખી શકે નહીં તો એકબીજા વચ્ચે અંતર વધવા લાગે છે. આજે વાત કરવી છે મોબાઇલ યુગમાં પતિ-પત્ની વચ્ચે કાંટા બનતા વહેમ અને શંકા...
શંકાના પરિણામ દર્શાવતો વાસ્તવિક કિસ્સો : એક મનુષ્યના માળાને વિખેરવામાં શંકા અને વહેમ કેવી ભૂમિકા ભજવી શકે તે અંગે ETV Bharat દ્વારા ભાવનગરના મનોચિકિત્સક ડો. શૈલેષ જાની સાથે ખાસ વાતચીત કરવામાં આવી. જોકે એક સત્ય કિસ્સો ટાંકીને તેમણે આ વાતની શરૂઆત કરી હતી. મનોચિકિત્સક શૈલેષ જાનીએ એક દંપતીની વાત કરી જેમાં વહેમ અને શંકાના કારણે ઝઘડા થયા અને વાત જિંદગીના પથ પરથી વિખૂટા પડવા સુધી પહોંચી ગઈ હતી. જાણો આ કિસ્સો...
દંપતી પહોંચ્યું છૂટું લેવા : મનોચિકિત્સક શૈલેષ જાનીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા એક એડવોકેટે એક દંપતીને મારી પાસે મોકલ્યું. બેઝિકલી આ દંપતી એડવોકેટ પાસે છૂટાછેડાના કેસ માટે ગયું હતું. એ લોકોએ કીધું કે અમારે ડાઇવોર્સ લેવા છે. એના લગ્ન જીવનને પાંચ વર્ષ જેવું થઈ ગયું હતું. એક બાળક પણ હતું. એડવોકેટે એની હિસ્ટ્રી લીધી પછી એવું લાગ્યું કે આ બે માંથી એકને માનસિક પ્રોબ્લેમ લાગે છે. આથી વકીલે આ દંપતીને મનોચિકિત્સકને મળીને તેમની સલાહ લેવા જણાવ્યું.
ઝગડાનું કારણ-શંકા : શૈલેષ જાનીએ જણાવ્યું કે, મેં એમની હિસ્ટ્રી લીધી એટલે ધ્યાને આવ્યું કે વાઈફને ઘણા સમયથી શંકાની તકલીફ હતી. એટલે સવારમાં ઉઠે ત્યારથી માંડી અને રાત્રે સુવે ત્યાં સુધી, એને પતિના નાના-મોટા દરેક વસ્તુ, દરેક કામ પર શંકા જાય. તમે ક્યાં ગયા હતા ? કોને મળ્યા ? કેમ મોડા આવ્યા ? મોડા આવ્યા હોય તો ક્યાં ગયા હતા ? એનું પણ ચેક કરે. મોબાઇલમાં વારેવારે કોની સાથે ચેટ કરે છે કોને મેસેજ કરે છે એ ચેક કરે. કોઈના મેસેજ આવે કે કોઈનો કોલ આવે તો પણ તરત પૂછે કે કોનો કોલ હતો ? પતિ ઘરની બહાર પણ જાય તો એની પાછળ પાછળ જાય, વચ્ચે કોઈની સાથે વાત નથી કરતા ?
પતિના આડા સંબંધની શંકા : આડોશ પાડોશમાં જેટલી પણ લેડીઝ હતી એની દરેક પર આ મહિલાને શંકા હતી કે, આ બેનને મારા પતિ સાથે સંબંધ છે. એના પતિના ભાભી સાથે પણ એને શંકાની નજરે જોવે. એનો પતિ કોઈપણ લેડીઝની સાથે વાત કરે એટલે મહિલાને શંકા જાય કે એમને કોઈ સાથે સંબંધ છે એટલા માટે જ વાત કરે છે. દરેક વખતે પતિને એક્સપ્લેનેશન આપવું પડે અને છેલ્લે આખરે કંટાળીને પતિ-પત્નીએ છુટા થવાનો નિર્ણય કર્યો હતો.
અંત ભલા તો સબ ભલા : હકીકતમાં તો આ ભાઈને એવા કોઈ પણ આડાસંબંધ નહોતા. આ બેનને એક પ્રકારની વહેમ અને શંકાની બીમારી હતી. અમારી ભાષામાં એને સાયકોસિસ અથવા તો ડિલિવિઝનલ ડિસઓર્ડર કહેવામાં આવતો હોય છે. એમાં પતિ કે પત્નીને એકબીજા પર ચારિત્રને લઈને વહેમ રાખીને ખોટી શંકા રહેતી હોય છે. આ બેનની મેં સારવાર કરી અને એન્ટીસાયટી દવા આપી. લગભગ છેલ્લા બે મહિનાથી મને રેગ્યુલર બતાવવા આવે છે અને પતિ-પત્ની વચ્ચેના દરરોજના ઝઘડા લગભગ નીલ થઈ ગયા છે. હવે એડવોકેટે પણ મારી સાથે વાત કરી કે બંનેએ લગભગ છૂટાછેડા લેવાનું માંડી વાળ્યું છે.
શંકાની બીમારી : આજે પતિ-પત્નીના ચારિત્રની જે શંકા છે એ એક પ્રકારની બહુ કોમન માનસિક બીમારી છે. ઘણા લોકોમાં જોવા મળતી હોય છે અને યોગ્ય સમયે સાયક્યાટ્રીસ્ટ પાસે જો આની સારવાર કરો તો આનો ચોક્કસ ઉકેલ આવી શકે છે. માનસિક બીમારીમાં વહેમ અને શંકા અલગ અલગ પ્રકારની હોય છે. એમાં પતિ-પત્નીની એકબીજા ચરિત્ર પર શંકા પણ એક ભાગ છે. અમારા પેશન્ટોમાં અને એવરેજ રોજ એક થી બે કેસ આ પ્રકારના આવતા જ હોય છે.
મોબાઈલ મુખ્ય કારણ : ખાસ કરીને આજના મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં સંબંધોમાં વહેમ અને શંકા ખૂબ વધી ગઈ છે. કારણ કે ઘણી વખત રિલેશન પણ એટલા જ વધતા ગયા છે. એકબીજાને ઓળખતા ન હોય છતાં ફ્રેન્ડ રિક્વેસ્ટ આપી આ રીતે વર્ચ્યુઅલ રિલેશન બનતા હોય છે. એના લીધે પણ અત્યારે આવા કેસ ખૂબ વધી ગયા છે.
શંકાનો ઉકેલ શું ? ઉકેલ તો સમજણ છે, આ વસ્તુ ખોટી જ હોય. માની લો કે, કોઈ પાયા વગરની વહેમ અને શંકા હોય તો એક પ્રકારની બીમારી કહેવાય અને એની સારવાર કરવી પડે. એ સિવાય સોશિયલ મીડિયા અને મોબાઈલનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં કરીને સંબંધો જાળવવાની કોશિશ કરવી જોઈએ.