સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં પરંપરાગત રીતે વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળાનું આજે વહીવટી તંત્ર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. થાન તાલુકાના તરણેતર ગામ ખાતે પાંચાળ ભૂમિ પર આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં જગત વિખ્યાત તરણેતરનો મેળો યોજાય છે.


આ મેળો 6 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસ 24 કલાક રાત અને દિવસ ચાલતો રહેશે. આ મેળાનો આજે જિલ્લા કલેકટર કેસી સંપર્ક ચોટીલા થાનના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતનાઓની ઉપસ્થિતિમાં આજે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના જળાભિષેક અને દ્વીપ પ્રાગટ્ય કરી આ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્તઃ ત્યારબાદ આ મેળામાં વિવિધ પ્રદર્શનના સ્ટોલ અને ગ્રામીણ ઓલમ્પિક પશુ હરીફાઈ સાંસ્કૃતિક સ્પર્ધા લોક ડાયરા સહિતના વિવિધ કાર્યક્રમો આ ત્રણ દિવસના મેળા દરમિયાન યોજાશે. તરણેતરના મેળામાં 2500 થી વધુ પોલીસ કર્મીઓ 100 બોડી વન કેમેરા સીસીટીવી કેમેરા તેમજ 100 થી વધુ DySP, PI, PSI, સહિતના અધિકારીઓ આ મેળાના બંદોબસ્તમાં તૈનાત રહેશે.

ત્રણ દિવસની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરા સહિતના કાર્યક્રમમાં નામી અનામી કલાકારો ઉપસ્થિત રહે છે જ્યારે છેલ્લા દિવસે 8 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય રાજ્ય કક્ષાના મંત્રીઓ જિલ્લાના સાંસદ ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: