સુરતઃ ગુજરાતમાં જ નહીં પણ દેશના ઘણા રાજ્યોમાં પણ નકલી અધિકારી બનીને ગુનાઓને અંજામ અપાયા હોય તેવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. તેવામાં ગુજરાતના સુરતમાં પણ લોકો સાથે 11 લાખની છેતરપીંડી કરી નાખવાના મામલે પોલીસે જેને ઝડપ્યો છે તે શખ્સ પોતે IPS અધિકારી હોવાનો દાવો કરતો હતો. આ શખ્સને પોલીસે ઝડપ્યો તેના ગણતરીના કલાકોમાં તો તેની જ સામે બીજી ફરિયાદ પણ સામે આવી હતી.
કેવી રીતે કરી છેતરપિંડી ?
રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. સુરત જિલ્લામાંથી વધુ એક નકલી ઉચ્ચ સરકારી અધિકારીની ઓળખ આપી લોકો પાસે રૂપિયા પડાવતા ઇસમને પોલીસે ઝડપી લીધો છે. કામરેજ પોલીસ મથક ખાતે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરજ તાલુકામાં રહેતા સમીર સલીમ જમાદારએ ફરિયાદ આપી હતી. સમીર જમાદારને તેના ભાઈબંધ થકી પ્રદીપ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. તે દરમિયાન પ્રદીપ પટેલએ IPS અધિકારી હોવાની ઓળખ આપી હતી. થોડા દિવસ વીત્યા બાદ પ્રદીપએ સમીર જમાદારને કામરેજના વલથાન ગામ પાસે આવેલી તોરણ હોટેલમાં 30% ભાગીદાર રહેવા કહ્યું હતું અને સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. જેને લઇને સમીરએ ટુકડે ટુકડે 23 લાખ રૂપિયા આપી દીધા હતા.
જોકે થોડા દિવસો વીત્યા બાદ સમીર જમાદારએ પ્રદીપને હોટેલના એગ્રીમેન્ટ બાબતે કહેતા પ્રદીપ આજકાલ કર્યા કરતો હતો. જેને લઇને સમીરે એ પૈસા પરત માંગ્યા હતા. જેથી પ્રદીપ એ 12 લાખ રૂપિયા પરત કર્યા હતા પરંતુ 11 લાખ પછી આપી દઈશ તેવું કીધું હતું. જોકે ઘણા દિવસો વીત્યા છતાં પ્રદીપ એ રૂપિયા નહીં આપતા આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતાં સમીર જમાદારએ સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી.
કામરેજ પોલીસ ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો
મળેલી ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગણતરીની કલાકોમાં જ નકલી IPS ની ઓળખ આપી છેતરપિંડી કરનાર આરોપી પ્રદીપ પટેલને ઝડપી લીધો હતો. તેઓનો મોબાઈલ ચેક કરતા તેમાંથી IPS અધિકારીની વર્ધી પહેરેલા ફોટાઓ મળી આવ્યા હતા અને એક પોલીસ વર્ધીનું પેન્ટ પણ મળ્યું હતું.
ગણતરીની કલાકોમાં જ નકલી આઇપીએસ વિરૂદ્ધ બીજો ગુનો દાખલ થયો
ઝડપાયેલા નકલી ઓફિસર પ્રદીપ પટેલ વિરુદ્ધ ગણતરીની કલાકોમાં જ બીજો ગુનો દાખલ કામરેજ પોલીસ મથકએ નોંધાયો છે. કામરેજ વિસ્તારમાં રહેતા કૌશિક ગજેરા સાથે પણ આજ મોડેન્સ ઓપરેન્ડી સાથે ઠગાઈ થઈ હતી. કૌશિકને પ્રદીપએ સાપુતારા ખાતે આવેલી તોરણ હોટેલમાં હિસ્સો આપવાનું કહી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે ફરિયાદ આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર - DySP સરવૈયા
સુરત ગ્રામ્ય DySP R.R સરવૈયાએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપી પ્રદીપ પટેલ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ખાતે બે ગુનો દાખલ થયા છે. વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મીડિયાના માધ્યમથી જે પણ લોકો આ વ્યક્તિનો ભોગ બન્યા છે એ ઝડપથી નજીકના પોલીસ મથકનો સંપર્ક કરે.