સુરત: શહેરમાં ગણેશ ઉત્સવ પહેલા જ અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાની પાછળ કારણ છે કે, ગણેશ મહોત્સવ પહેલા જ સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શ્રીજીની 10 પ્રતિમાઓને ખંડિત કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનામાં અઠવાલાઇન્સ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હવે આ સમગ્ર મામલે બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના અઠવાલાઇન્સ 17 ઓગસ્ટ 2024 બપોરના ત્રણેક વાગે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીના મોટા ભાઈ વિશાલ હીરાલાલ ખલાસીએ સોની ફળીયા એનીબેસન્ટ હોલની બાજુમાં શ્વેતા એપાર્ટમેન્ટમાં દુકાન નંબર 3માં ગણપતિની મૂર્તિઓ વેચવાનો ધંધો કરે છે. તેમની દુકાનમાં બે મહિલા તેમની સાથેના બે નાના છોકરાઓ તેઓ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલી ગણપતિની મૂર્તિઓ છોકરાઓ દ્વારા તોડી પડાવી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, આશરે રૂ.60,000 જેટલાનુ નુકસાન આ લોકોએ કર્યું હતું અને ધાર્મિક લાગણી દુભાવી ગુનો કર્યો છે. બન્ને મહિલા ફુટપાથ પર રહે છે અને ભીખ માગવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમજ ગણપતિની મૂર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય જેથી ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ કરી નહોતી.
આરોપી મહિલાની ધરપકડ
ત્યારબાદ ગત તા.08 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલમાં નાના છોકરાઓએ પથ્થર મારી લોકોની ધાર્મિક લાગણી દુભાવેલી ઘટના બની હતી, જેથી તેઓએ પણ ફરિયાદ નોધાવી હતી. બે મહિલાએ લોકોની ધાર્મિક લાગણી દુભાવવા સારૂ તેની સાથેના બે છોકરા દ્વારા ફરિયાદીના મોટા ભાઈ વિશાલની ગણપતિ મૂર્તિઓ વેંચવાની દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગણપતિની આશરે દશેક મૂર્તિઓ તોડી આશરે રૂ.60,000 જેટલાનુ નુકશાન કરી ગુનો કર્યો હતો. જેથી આ બનાવ બાબતે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીએ ફરિયાદ આપતા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની કલક 299, 324 (4), 329 (4), 54 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ બન્ને મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.