સુરત: ઘરેથી એમડી ડ્રગ્સની નાની પડીકી બનાવીને વેચાણ કરનાર માસી ભાણેજની લીંબાયત પોલીસે ધરપકડ કરી છે. મહિલા સહિત બે જણાને 79 હજારની કિંમતના 7.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડયા છે. બન્ને એમડી ડ્રગ્સની નાની પડીકી બનાવી ઘરેથી વેચાણ કરતા હતા. બંનેની પોલીસે લિંબાયત મીઠી ખાડી બેઠી કોલોનીમાંથી ધરપકડ કરી છે.
સફેદ પાઉડર ડ્રગ્સ હોવાની પુષ્ટિ: લિંબાયત પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, મીઠીખાડી પાસે બેઠી કોલોનીમાં એક મકાનમાં મેફેડ્રોનનો જથ્થો પડેલો છે. જે માહિતીના આધરે લિંબાયત પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. જ્યાં પોલીસે ઘરમાં ઘૂસી તલાશી લેતા રસોડાના પ્લોટફોર્મ સહિતની જગ્યાએથી પ્લાસ્ટિકની કોથળીમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતુ. એફએસએલની ટીમે સ્થળ પર આવી જઈ સફેદ પાઉડર ડ્રગ્સ હોવાની પુષ્ટિ આપી હતી.
98,260નો મુદ્દામાલ કબ્જે: આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, લિંબાયત પોલીસે એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધી 42 વર્ષીય ચંદપાસા ઉર્ફે ચાંદ બમ્બયા મઇનુદ્દીન શેખ અને 40 વર્ષિય સલમાબાનુ અબ્દુલ રહીમ શેખની ધરપકડ કરી હતી. પોલીસે 7.9 ગ્રામનું એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા 19260 મળી કુલ રૂપિયા 98,260નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસ પૂછપરછમાં તેઓએ એવું જણાવ્યું કે, અશ્વિનીકુમાર સ્મશાન પાસે રેલવે પટરી પાસેથી એક યુવક પાસેથી ડ્રગ્સ લાવી અહીં ચોરી-છૂપીથી વેચાણ કરતા હતા.
NDPS નો ગુનો નોંધી વધુ તપાસ: અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ એમડી ડ્રગ્સ કોની પાસેથી લાવતા હતા તે બાબતે પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો છે. પોલીસે આરોપી ચાંદપાસા બમ્બયા મોઇનુદ્દીન શેખ અને મહિલા સલમાબાનું અમીન શેખની સામે NDPS નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.