સુરતઃ જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. બારડોલીમાં ગત રાત્રિ બાદ આજે સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બારડોલી શહેરના શામરિયા મોરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાય જવાથી વાહન ચાલકોને મુશ્કેલીની સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત એમએન પાર્ક, ડીએમ પાર્ક સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાય જતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.
બલેશ્વરના 40 ઘરો સંપર્ક વિહોણાઃ પલસાણા તાલુકામાં ભારે વરસાદને કારણે બત્રીસગંગા ખાડીની જળ સપાટી વધવાથી બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુ છે. 40 જેટલા ઘરો સંપર્ક વિહોણા બન્યા છે. આ ઉપરાંત ખાડીના પાણી હાઇવે પર પણ ફરી વળ્યા હતા. જેને કારણે વાહન વ્યવહારને ખોરવાયો છે.
કડોદરામાં પાણી ભરાયાઃ કડોદરા નગર પાલિકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વહીવટીતંત્ર દોડતું થયું છે. કડોદરાથી સુરત જતાં રોડ પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો તેમજ રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પલસાણા તાલુકામાં 114 મી.મી. વરસાદઃ આજે સોમવારે સવારના 06.00 કલાકથી મેઘરાજા તમામ તાલુકાઓમાં અનરાધાર વરસી રહ્યા છે. સવારના 6.00 થી બપોરના 02.00 કલાક સુધીમાં પલસાણા તાલુકામાં સૌથી વધુ 114 મી.મી. એટલે કે 5.5 ઈંચ, બારડોલી 4 ઈંચ, જયારે મહુવામાં 18 મી.મી., ઓલપાડમાં 15 મી.મી., માંગરોળમાં 12 મી.મી., ઉમરપાડામાં 77 મી.મી., માંડવીમાં 66 મી.મી., સુરત શહેરમાં 42 મી.મી., ચોર્યાસીમાં 34 મી.મી. જેટલો વરસાદ વરસ્યો છે.
જિલ્લામાં 22 માર્ગો બંધઃ સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના 22 માર્ગો ઓવર ટોપીંગ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. જે પૈકી પલસાણા તાલુકામાં બગુમરા બલેશ્વર, બગુમરાથી તુંડી, ઓલ્ડ બી.એ.રોડ પાર્કીગથી ચલથાણ બલેશ્વર પલસાણા ગામ સુધી, મલેકપુર સીસોદરા રોડ, તુંડીથી દસ્તાન, કામરેજના પરબથી જોળવાના રસ્તાઓ બંધ કરાયા છે. બારડોલી તાલુકાની વાત કરીએ તો ખસવાસા મોવાછી જોઈનીગ સામપુરા, વડોલીથી બાબલા, ખોજ પારડી વાઘેચા જોઈનીગ એસ.એસ. 167 રસ્તો, સુરાલી કોટમુંડાથી બેલ્ધા, સુરાલી ધારીયા ઓવારા, વડોલી અંચેલી, સુરાલી સવિન જકાભાઈના ઘરથી ધારીયા કોઝવે સુધી, ખોજ પારડીથી વાઘેચા, ટીમ્બરવા કરચકા સુધી, રામપુરા એપ્રોચ જેવા ગામ-ગામને જોડતા પંચાયત હસ્તકના 10 રસ્તાઓ વરસાદી પાણીના કારણે બંધ કરવામાં આવ્યા હતા.
3 પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવઃ બારડોલી તાલુકાનાં નસુરા, કડોદ મિયાંવાડી અને રાયમ ગામની પ્રાથમિક શાળાઓના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જતાં બાળકોની સલામતીને ધ્યાનમાં લઈ શાળામાં રજા આપી દેવામાં આવી હતી.