સુરત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવતા સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી સમયસર હોસ્પિટલ પહોંચાડી હતી. જેથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર મળી હતી. કોઈ અજાણ્યા કારચાલકે મહિલાને ટક્કર મારતા તેને હાથ, પગ અને માથા પર ઈજા થઈ હતી.
રિંગ રોડ પર મહિલાને કારે ટક્કર મારી
સુરતના સરથાણા રિંગ રોડ પર એક કારચાલકે મહિલાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ મહિલા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર કણસી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રોડ પર ટોળું એકત્ર થયેલું જોતા પોતાની ગાડી થોભાવી હતી. અહીં મહિલાને ઈજાગ્રસ્ત જોતા એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષાકર્મીને ઉતારી શિક્ષણ પ્રધાન પોતાના સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા.
શિક્ષણ રાજ્યમંત્રીએ ઈજાગ્રસ્ત મહિલાને કરી મદદ
મહિલાને ઈજા બાદ એમ્બ્યુલન્સ આવતા 10 મિનિટનો સમય લાગે એમ હોવાથી તેને ઝડપી સારવાર મળી તે માટે શિક્ષણ રાજ્યમંત્રીએ અગત્યનું કામ પડતું મૂકી ઈજાગ્રસ્ત મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડી હતી. તેમના આ ઉમદા કાર્યને લોકોએ બિરદાવ્યું હતું. જોકે મહિલાને સમયસર સારવાર મળતા હાલ તેની તબિયત સુધારા પર છે. ઈજાગ્રસ્ત મહિલાનું પર્સ અને મોબાઈલ ફોન તેના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા હતા. તેમજ મહિલાના પરિવારજનોએ પણ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: