સુરત : સુરત શહેરના પુણાગામ વિસ્તાર ખાતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી કરી રહેલા સ્વચ્છતામિત્રોને ઘરેણાનું બોક્સ મળ્યું હતું. આ બોક્સ કોનું છે તે અંગે તેઓને જાણ નહોતી. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરનાર સ્વચ્છતામિત્ર બાબુભાઈ જીવાભાઇ રબારી, શીલા સંજય અને ડ્રાઇવર સલમાન શેખની ટીમને મળી આવ્યું હતું.જે પોલીસ મથકમાં જમા કરાવ્યાં હતાં. આ બદલ સુરત મેયર દ્વારા સ્વચ્છતામિત્રોનું સન્માન કરાયું છે.
પૂણાગામ પોલીસ મથકમાં જમા કરાવ્યું : સ્વચ્છતામિત્રોને ઘરેણાનું બોક્સ મળ્યું તેેની અંદર કાનની બુટ્ટી, ગળામાં પહેરવાનો હાર સહિત અન્ય દાગીના હતાં. જેની કિંમત આશરે ત્રણ લાખ રૂપિયા સુધીની હતી. ઘરેણાનું બોક્સ કોનું છે તે અંગે તેઓએ પૂછપરછ પણ કરી હતી, પરંતુ ઘરેણાનું બોક્સના માલિક નહીં મળતા તેઓએ આ અંગે પોતાના અધિકારીને જાણ કરી હતી. અધિકારી સહિત સ્વચ્છતામિત્રોએ આ બોક્સ પુણાગામ પોલીસ મથકમાં જમા કરાવ્યું હતું.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન અમને ઘરેણાનું બોક્સ મળી આવ્યું હતું. બોક્સની અંદર દાગીના હતા. દાગીના સોનાના છે કે નહીં તે અંગે જાણવા માટે અમે જ્વેલર્સ પાસે પણ ગયાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે, આ અસલ સોનાના દાગીના છે. ત્યારબાદ આ દાગીના કોના છે તે અંગે અમે તપાસ પણ કરી, પરંતુ માલિક નહીં મળતા અમે આ દાગીનાના બોક્સ લઈ પોતાના અધિકારી પાસે ગયાં હતાં. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે, આ બોક્સ અમે પોલીસ સ્ટેશન જમા કરાવી દઈશું. આશરે સાડા ત્રણ લાખ રૂપિયાની કિંમતના દાગીના આ બોક્સમાં હતાં...બાબુભાઈ જીવાભાઇ રબારી(સ્વચ્છતા મિત્ર)
ઈમાનદારી અને માનવતાની પણ મહેક પ્રસરાવી છે : મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન દરમિયાન સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતામિત્રોને 50 ગ્રામ સોનું મળી આવ્યું હતું. તેના મૂળ માલિકની શોધખોળ પણ તેઓએ કરી હતી પરંતુ માલિક મળ્યા નહોતાં જેથી તેઓએ આ સોનું પોલીસ પાસે જમા કરાવ્યું હતું. પોતાના કામથી સુરતને સ્વચ્છતામાં નંબર વન કરનાર આ કર્મચારીઓએ ઈમાનદારી અને માનવતાની પણ મહેક પ્રસરાવી છે જેથી આ સ્વચ્છતામિત્રોનું આજે અમે સન્માન કર્યું છે.