સુરત : રાજ્યમાં લિકર પરમીટ કઢાવવા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લિકર પરમીટ જાહેર કર્યા બાદ હવે અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ લિકર પરમીટ આપવામાં આવે છે. પરંતુ હવે લિકર પરમીટ કઢાવવા માટે 10 નહીં પરંતુ 15 હજાર આપવામાં પડશે. જોકે, દિવાળીએ ભાવ વધારો કરતા લિકર પરમીટ લેનાર અરજદારોમાં પણ માયુસી જોવા મળી છે.
લિકર પરમીટના ભાવમાં વધારો : સુરત સહિત રાજ્યમાં લિકર પરમીટ કઢાવવા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયકે જણાવ્યું કે, આ વખતે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મેડિકલ લિકર પરમીટ કઢાવવા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં લિકર પરમીટમાં સુરતનો બીજો નંબર છે. નવી પરમીટના 5 હજાર લેવામાં આવતા હતા, તેમાં હવે 25 હજાર લેવામાં આવશે.
કેટલો વધારો થયો ? લિકર પરમીટ રીન્યુ માટે 10 હજાર લેવામાં આવતા, તેમાં હવે 15 હજારનો વધારો કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં લિકર પરમીટના ભાવમાં ગત મહિને મળેલી સંકલનની બેઠકમાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ 15 ઓક્ટોબર, મંગળવારથી નવી લિકર પરમીટમાં વધારો કરવામાં આવ્યો છે.
અરજદારોની સંખ્યામાં વધારો : ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પાંચ શહેરોમાં લિકર પરમીટના અરજદારોની સંખ્યામાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સૌથી વધુ પરમીટ સાથે પ્રથમ ક્રમે અને ત્યારબાદ સુરત બીજા નંબરે છે. સુરત સહિત જિલ્લામાં 12,500 કરતાં વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. સુરત શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં હેલ્થ પરમીટના આધારે દારૂનું સેવન કરવાની સંખ્યામાં સતત વધારો થયો છે.
સુરતમાં પરમીટ ધારકોની સંખ્યા : નાર્કોટિક્સ વિભાગ પાસેથી માહિતી મુજબ આરોગ્ય પરમીટધારકો એટલે કે સ્વાસ્થ્ય કારણસર દારૂ પીવા માટેની પરવાનગી ધરાવતા લોકની કુલ સંખ્યા જાન્યુઆરી 2012 વર્ષમાં 31,510 હતી, જે જાન્યુઆરી 2022માં વધીને 38,970 થઈ હતી. જાન્યુઆરી 2023માં આરોગ્ય પરમીટધારકોની સંખ્યા 41,953 પર પહોંચી હતી. હવે જાન્યુઆરી 2024માં આ આંકડો 44,002 પર પહોંચ્યો છે.