સુરત : અડાજણ એલ. પી. સવાણી રોડ સ્થિત વુડ સ્ક્વેરમાં કૃપા ઓવરસીઝ નામે વર્ક વિઝાની ઓફિસ ખોલી ચૌહાણ બંધુ દ્વારા જાહેરાતના બેનર મૂકવામાં આવતા હતા. તેમનો સંપર્ક કરનારને કેનેડામાં અભ્યાસ, નોકરી તેમજ એગ્રીકલ્ચર માટે વિઝા અપાવવાની લાલચ આપી ઓફિસમાં રાખેલ સ્ટાફ દ્વારા વિવિધ પ્રોસેસ સહિત વ્યક્તિને કેવી વિશ્વ વિશે લખની રિફ પડાવી લિબે ઓફિસ બંધ કરી દઈ ઠગાઈ કરવામાં આવી હતી. જે મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ઈમીગ્રેશન એજન્ટનો ફ્રોડ : અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજ તાલુકાના સિમાડી ગામ ખાતે માહ્યાવંશી ફળિયામાં રહેતા 40 વર્ષીય ખેડૂત પ્રકાશ પ્રભુભાઈ ઉમરીયા કેનેડા જવાનો પ્લાન કરી રહ્યા હતા. તેમણે સુરતમાં લાગેલા બેનરના આધારે અડાજણ એલ.પી. સવાણી રોડ સ્થિત વુડ સ્ક્વેરની ઓફિસ નં. 207 માં આવેલી કૃપા ઓવરસીઝની ઓફિસે હાજર સ્નેહાબેન નામની મહિલા કર્મચારીનો સંપર્ક કર્યો હતો.
એગ્રીકલ્ચર વિઝાની ઓફર : આ દરમિયાન સ્નેહાબેને કંપનીના માલિક ભાવેશ અને કલ્પેશ ચૌહાણ વડોદરા ખાતે મેઇન શાખા ધરાવી વર્ષોથી સ્ટુડન્ટ, નોકરી તેમજ એગ્રીકલ્ચરના વિઝા માટે ઈમીગ્રેશન એજન્ટ તરીકે કામ કરતા હોવાનું જણાવી પ્રકાશ ઉમરીયાને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ કેનેડામાં એગ્રીકલ્ચર વિઝા કરી આપવાનો વિશ્વાસ આપી ઓફિસની મહિલા સહિતના વિવિધ કર્મચારી દ્વારા પ્રકાશભાઈ પાસે 21 નવેમ્બર 2022 થી 14 માર્ચ 2023 સુધીમાં કુલ રૂ. 6,86,500 જેટલી રકમ મેળવી LMI એ જૂન 2023 માં અને વર્ક વિઝા જુલાઈ 2023 માં આવી જશે એમ જણાવ્યું હતું.
20 લાખથી વધુની ઠગાઈ : ત્યારબાદ પ્રકાશ ઉમરીયાને ધક્કે ચઢાવવામાં આવતા મુખ્ય માલિક ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણને ફોન કરી પોતાને કેનેડા જવું નથી કહી નાણાં પરત માંગ્યા હતા. ચૌહાણ બંધુએ ફરિયાદીને "તમારા ભરેલા નાણાં ભૂલી જાવ" કહી ગાળો આપી ફોન પર સંપર્ક કાપી નાંખ્યો હતો. બાદમાં ઓફિસ પણ બંધ કરી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન ચૌહાણ બંધુ દ્વારા પોતાના ઉપરાંત અન્ય 8 વ્યક્તિ પાસે કુલ રૂ. 20,66,500 મેળવી આ જ રીતે ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી હતી.
પોલીસ ફરિયાદ : ACP બી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મામલે તેમણે ગત 30 જાન્યુઆરી 2023 ના રોજ અડાજણ પોલીસ મથકમાં ચૌહાણ બંધુ વિરુદ્ધ ઇપીકો કલમ 420, 409 તથા 114 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત PSI એન. ડી. પટેલ દ્વારા ગતરોજ ચૌહાણ બંધુ પૈકીના ભાવેશકુમાર અરવિંદભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી. આ લોકોએ અત્યાર સુધી કેટલા લોકોને ભોગ બનાવ્યા છે, તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવશે.