સુરત: ઝંખવાવ બાયપાસ ગામ નજીકથી વાપી સામળાજી નેશનલ હાઈવે પસાર થનાર છે તે માટે જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રેલવે અને હાઇવે માટેની જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મીટિંગ યોજી હતી.
બીજી તરફ કોસંબા ઉમરપાડા નેરોગેજ રેલ્વે લાઈનનું બ્રોડગેજ રેલ્વે લાઈનમાં રૂપાંતર થઈ રહ્યું છે. જેના માટે જમીન સંપાદન પ્રક્રિયા અગામી દિવસોમાં થનાર છે. ત્યારે નેશનલ હાઈવે નંબર 56 વાપી સામળાજી અને કોસંબા ઉમરપાડા બ્રોડગેજ લાઈન નિર્માણથી ખેડૂતો અસરગ્રસ્ત બનનાર છે. તેઓને યોગ્ય ન્યાય મળે તે માટે આયોજનના ભાગરૂપે આ મીટીંગનું આયોજન ઝંખવાવ ગામે કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટાયેલાં પ્રતિનિધિઓ જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ સુરતી ગામના સરપંચ ઉમેદ ચૌધરી તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ વિવિધ સૂચનો રજૂ કર્યા હતા. સહકારની માગણી કરી હતી અને ન્યાય ન મળે તો અગામી લડતનું આયોજન કરવાનું આ બેઠકમાં ખેડૂતોએ નક્કી કર્યું હતું.
માંગરોલ તાલુકા મામલતદાર પાર્થ જયસ્વાલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં માંગરોળ તાલુકામાં હાઇવે અને રેલવે માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન છે. હજુ સુધી ખેડૂતોની કોઈપણ પ્રકારની રજૂઆતો અમારા સુધી મળી નથી, આગામી દિવસોમાં રજૂઆતો મળશે તો ચોક્કસ સાંભળવામાં આવશે.