સુરત : સામાન્ય લોકોને લોભ લાલચ આપી તેમના બેંકમાં એકાઉન્ટ ખોલાવી કરોડોના કૌભાંડ મામલે સુરત સાઇબર સેલ પોલીસે વધુ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, ડેબિટ કાર્ડ, બેંક એકાઉન્ટની પાસબુક અને ચેકબુક, સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
આંતરરાષ્ટ્રીય ગુનાખોરી નેટવર્ક : આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ DCP ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, સુરત શહેરના સામાન્ય લોકોને લોભ લાલચ આપી અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટ ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમકાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલી દુબઈથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરતા વધુ ત્રણ આરોપીઓને સુરત સાયબર સેલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી : ત્રણે આરોપીઓ છેલ્લા એક વર્ષથી આજ દિન સુધી અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી છેતરપિંડીથી અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારક પાસેથી નવા ખોલાવેલ બેંક એકાઉન્ટ કીટો તથા એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ મોબાઇલ નંબરના સીમકાર્ડ મેળવી લેતા. આ એકાઉન્ટના પોતાની રીતે ખોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરી ઉભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક કુટ લેખન વાળા દસ્તાવેજો ઉભા કરતા હતા.
સાયબર ક્રાઇમના ગુના : બાદમાં દુબઈ ખાતે રહી લોકોને ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરવા માટે પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુના આચરતા હતા. આ પહેલા પણ સરથાણા વિસ્તારમાંથી કુલ 11 જેટલા આરોપીઓને આ ગુનામાં ઝડપી પાડ્યા હતા. તે આરોપીઓ પણ આ જ પ્રકારના હેતુ ધરાવતા હતા.
ત્રણ આરોપી ઝડપાયા, ત્રણ વોન્ટેડ : હાલ પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 28 મોબાઇલ ફોન, 86 અલગ અલગ બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડ, 180 અલગ અલગ બેંક એકાઉન્ટની પાસબુક, 30 અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક, 285 અલગ અલગ કંપનીના સિમકાર્ડ, રોકડા રૂપિયા 94,700 એમ કુલ મળી રૂપિયા 6,30,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.