સુરતઃ અડાજણ પોલીસે જૂનાગઢથી એક એવા 'મી. નટરવરલાલ'ની ધરપકડ કરી છે કે જેની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે. આ ઠગ પોતાને અન્ડર કવર એજન્ટ ગણાવતો હતો. તેણે સરકારમાં સારી એવી ઓળખાણ હોઈ ટેન્ડર અપાવીશ તેવી લાલચ ભલા ભોળા લોકોને આપીને લાખો ઠગી લીધા હતા.
જૂનાગઢથી ઝડપાયોઃ સુરત શહેરમાં રેસ્ટોરન્ટ માલિક સહિત અન્ય 3 લોકો પાસેથી 28.40 લાખ પડાવી લેનાર આ મી. નટવરલાલ -ગોપાલ પટેલ-ની અડાજણ પોલીસે જૂનાગઢથી ધરપકડ કરી છે. આરોપી ગોપાલ G20 અને પોલીસ ખાતામાં ટેન્ડર અપાવવાના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરતો હતો. લોકોને ઠગી લીધા બાદ આરોપી ગોવા, કાશ્મીરના નાસી જતો હતો.
અન્ડર કવર એજન્ટની ઓળખઃ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં દાતાર રેસ્ટોરન્ટ ચલાવનાર 44 વર્ષીય સુધીર લુણાગરિયાની 5 મહિના પહેલા ગોપાલ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. સુધીરની અડાજણ ખાતે આવેલ દાતાર રેસ્ટોરન્ટ પર તે નિયમિત જવા લાગ્યો હતો. ગોપાલે સુધીરને જણાવ્યું હતું કે, તે પોલીસમાં મોટી પોસ્ટ પર છે અને હાલ તે અંડર કવર એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે. ગોપાલે સુધીરભાઈનો વિશ્વાસ કેળવી લીધો હતો. અધિકારીઓ સાથે તેણે અલગ અલગ ફોટા પણ સુધીરને બતાવ્યા હતા. વર્ષ 2023 મે મહિનામાં ગોપાલે સુધીરને જણાવ્યું હતું કે, પોલીસ લાઈનમાં જો તેઓ ટેન્ડરમાં 5 લાખ રૂપિયા રોકાણ કરશે તો આવનાર દિવસોમાં તેમને ફાયદો મળી શકે છે. સુધીર તેની લાલચમાં આવી ગયો અને તેને 5 લાખ રૂપિયા આપ્યા હતા. આ ઠગે 6 દિવસ બાદ સુધીરને 6 લાખ પરત કર્યા હતા. આવી રીતે ગોપાલે 2 થી 3 સુધીરને રૂપિયા પર આપી વિશ્વાસ કેળવ્યો હતો.
અંતે મોટી ઠગાઈ કરીઃ રેસ્ટોરન્ટ માલિક સુધીરને આરોપીએ G20 માં ટેન્ડરના નામે લાખો રૂપિયાની લાલચ આપી છેતરપીંડી કરી હતી. ગોપાલે સુધીરને મોટા ટેન્ડરમાં રોકાણ કરવા માટેની સ્કીમ જણાવી હતી. જેથી સુધીરે તેને 9 લાખ રૂપિયા આપ્યા હતા. સુધીર ઉપરાંત તેના ભાઈ કલ્પેશ અને રવિને પણ ઠગે લાલચમાં સપડાવ્યા હતા. 9 લાખ સહિત 19.40 લાખ રૂપિયા એમ કુલ 28.40 લાખ રૂપિયા ગોપાલે પડાવી લીધા હતા અને તેમને પરત કર્યા નહોતા. ગોપાલ ટેન્ડર અટવાઈ ગયું છે અને જ્યારે ટેન્ડર છૂટું થશે ત્યારે પૈસા પરત કરીશ તેવા બહાના બતાવતો હતો. ગોપાલની બહાનાબાજીથી કંટાળીને આખરે સુધીરે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મોટા અધિકારીઓ સાથે ફોટો પડાવતોઃ આરોપી ગોપાલે મોટા લોકો સાથે ફોટા પણ પડાવ્યા હતા. જે લોકોને બતાવીને તે છેતરપીંડી આચરતો હતો. સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરીને તે લોકો પર રૂઆબ પાડતો હતો. એટલું જ નહિ ગાંધીનગર સચિવાલય ખાતે પણ તે આંટાફેરા મારતો.
આ સમગ્ર મામલે એસીપી બી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, G20ના ટેન્ડરના નામે આરોપીએ સુરતના રેસ્ટોરન્ટ માલિક સહિત અન્ય લોકો પાસેથી 28.40 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. આરોપી ગોપાલ પોતાને અંડર કવર એજન્ટ તરીકે ઓળખાવતો હતો. તેની ધરપકડ જૂનાગઢ થી કરવામાં આવી છે. 8 મહિના પહેલા તે ગોવા, કાશ્મીર, બેંગાલુરુમાં નાસતો ફરતો હતો. અમે આરોપીની વધુ પૂછપરછ કરી રહ્યા છે જેમાં તેણે અન્ય કયા લોકો સાથે છેતરપીંડી કરી છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છે.