સુરતઃ લિંબાયત વિસ્તારમાં સરાજાહેર ગુંડાગીરી અને દાદાગીરી કરતી એમએસ કંપની ગેંગના 6 આરોપીઓની સલામતપુરા પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓએ પોલીસથી ઓળખ છુપી રહે તે માટે માથે મુંડન કરાવ્યું હતું. તેમ છતાં સીસીટીવી ફૂટેજને આધારે સલામતપુરા પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે.
સમગ્ર ઘટનાક્રમઃ એમએસ કંપની ગેંગના સાગીરતો આંજણા સોસાયટીમાં તલવાર અને ચપ્પુ લઈને ઘુસી આવ્યા હતા. તેમણે સોસાયટીમાં કેટલાક ઘરની બહાર લોકોને ડરાવ્યા ધમકાવ્યા હતા એટલું જ નહિ ઘરની બહાર બેઠેલા શરીફ નામના વ્યક્તિ પર માથાભારે તત્વોએ જીવલેણ હુમલો પણ કર્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. થોડાક દિવસ પહેલા શરીફના દીકરાએ આરોપી મોસીન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેની અદાવત રાખી આરોપીએ તેના પિતા ઉપર હુમલો કર્યો હતો. આ ગેંગના સભ્યો માથાભારે તત્વો છે આ લોકોએ પાર્કિંગમાં રહેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મોહસીન, વીકી, વિકાસ, શોએબ અને ઈરફાન નામના આરોપીઓની ધરપકડ કરી છે.
જૂની અદાવત રાખી હુમલો કર્યોઃ આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું હતું કે, સલામતપુરા પોલીસ મથક વિસ્તારમાં કેટલાક આરોપીઓએ જૂની અદાવત રાખી એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો તેના દીકરાએ 22 એપ્રિલના રોજ મુખ્ય આરોપી મોસીન તેની ઉપર હુમલો કર્યો હતો. બદલો લેવા માટે મોસીને અન્ય મિત્રો સાથે મળીને ત્યારબાદ તેમની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તલવાર સહિત ધારદાર હથિયાર લઈને આવ્યા હતા. આરોપીઓ પોલીસથી બચવા માટે માથાના વાળ કપાવી લીધા હતા.