સુરત : લોકરક્ષક હર્ષા ચૌધરી આપઘાત પ્રકરણમાં પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે સાથી પોલીસ કર્મી સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે છેલ્લા દસ દિવસથી વાતચીત ન હોવાના કારણે હર્ષાએ આત્મહત્યા કરી હતી. તેણે આત્મહત્યા પહેલાં સ્યૂસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેને જણાવ્યું હતું કે "મેં વિશ્વાસ કરીને મોટી ભૂલ કરી છે."
સહકર્મી સાથે પ્રેમસંબંધ : 18 મી માર્ચના રોજ સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવનાર મહિલા લોકરક્ષક હર્ષા ચૌધરીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા હર્ષાએ એક સ્યૂસાઇડ નોટ પણ લખી હતી જેના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હર્ષા ચૌધરી પોતાના સહ પોલીસ કર્મચારી પ્રશાંત ભોંયે સાથે પ્રેમ કરતી હતી. બંને એક જ પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા હતાં. થોડાક દિવસો પહેલા જ પ્રશાંતની સાઇબર સેલમાં બદલી થતાં બંને વચ્ચે અનબનની શરૂઆત થઈ.
ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતાં હર્ષા આપઘાત પ્રકરણમાં પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. રૂમ પાર્ટનર જીગીશા ગામીતની પણ પૂછપરછ પોલીસે કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે હર્ષા ચૌધરી સિંગણપોર પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવનાર પ્રશાંત સાથે પ્રેમ કરતી હતી. આ જાણકારી મળતાં પોલીસે પ્રશાંતની પૂછપરછ હાથ ધરી હતી. પ્રશાતે જણાવ્યું હતું કે બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતાં. પરંતુ દોઢ માસ પહેલા બાઈક સ્લીપ થવાના કારણે પ્રશાંતનો અકસ્માત થયો હતો અને તે છેલ્લા દોઢ માસથી પોતાના વતન ડાંગ રહેતો હતો.
પરિવાર પ્રેમ સંબંધથી અજાણ : આ સમગ્ર મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, પ્રશાંત અને હર્ષા વચ્ચે પ્રેમ સંબંધ હતાં. પરંતુ દોઢ મહિના પહેલા જ પ્રશાંતનો અકસ્માત થતાં તે પોતાના વતન ડાંગ ચાલ્યો ગયો હતો. ડાંગમાં નેટવર્ક ન હોવાના કારણે બંને સંપર્ક વિહોણા બની ગયાં હતાં. હર્ષા તેને લગ્ન કરવા માટે કહેતી હતી. પરંતુ અચાનક જ સંપર્ક ન થતા હર્ષાને લાગતું હતું કે તે કોઈ અન્ય સાથે લગ્ન ન કરી લે એ ચિંતામાં તેને આપઘાત કરી લીધો હતો. જો દુષ્પ્રેરણાનો બનાવ લાગશે તો ચોક્કસથી ગુનો દાખલ કરાશે. જોકે હાલ પરિવારને તેમના પ્રેમ સંબંધ અંગે કોઈ જાણકારી નહોતી.