સુરત : સુરત જિલ્લામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના નોંધાઈ હતી. ઓલપાડના ડભારી ગામ તરફ જતા રસ્તા પર હિટ એન્ડ રનની આ ઘટના બની હતી. અજાણ્યા વાહન ચાલકે દાણા ચણાની લારી લઇને જઈ રહેલા યુવકને અડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેને પગલે હોસ્પિટલમાં લઇ જવાયેલા યુવકનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરાઈ હતી.
વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ : સુરત જિલ્લાના ઓલપાડના ડભારી ગામ પાસે દાણા ચણાની લારી લઇને આવી રહેલ યુવકને અજાણ્યા વાહને ઉડાડ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે યુવકનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું અનેપોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
હિટ એન્ડ રન : સુરત જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યાં વધુ એક અકસ્માતની ઘટના હાલ સામે આવી હતી. ઓલપાડ તાલુકાના ડભારી ત્રણ રસ્તાથી ડભારી ગામ તરફ જતા રસ્તા પર 29 વર્ષીય દીપક કુમાર રામપ્રસાદ ગૌતમ જે પોતાની દાણા ચણાની લારી લઇને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પૂરઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લીધો હતો.
સારવાર દરમિયાન યુવકનું મોત : દાણા ચણાની લારી લઇને પસાર થઈ રહેલા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હાલ ટુંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ઓલપાડ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકની ઓળખ થઇ : ઓલપાડ પોલીસ મથકના પીએસઆઈ એ. કે. રાઉલજીએ જણાવ્યું હતું કે બનેલ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થયું છે. પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક યુવક મૂળ ઉત્તરપ્રદેશના અમેઠીના ભગવાનપૂરા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.