સુરત : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલી અંબિકા સ્ટોન ક્વોરી પર ગઈકાલે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સાંજના સમયે આશરે 20 જેટલા લોકો લાકડાના સપાટા લોખંડના સળિયા લઈ ક્વોરી પર ધસી આવ્યા હતા અને ક્વોરી પર હાજર ક્વોરી માલિક જગદીશ પટેલ અને ભુપેન્દ્ર પટેલ પર તૂટી પડ્યા હતા. તેઓને ઢોર માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા અને ક્વોરીની ઓફિસ પર ભારે તોડફોડ મચાવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા હુમલાખોરો ફરાર થઇ ગયાં હતાં. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઝંખવાવ પોલીસ મથકની હદમાં ગતરોજ મારામારીની ઘટના બની હતી.કેટલાક ઈસમોએ મારામારી કરી હતી.સ્ટોન કવોરી પર લૂંટ પણ ચલાવી હતી.સમગ્ર કેસને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે...નિધિ ઠાકુર (એએસપી, સુરત ગ્રામ્ય )
અસામાજિક તત્વો પોલીસ પહોંચતાં ફરાર : અસામાજિક તત્વોની તોડફોડ અને માર મારવાની ઘટનાની જાણ માંગરોળ પોલીસને કરવામાં આવતા તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જોકે પોલીસને જોઇ જતા હુમલાખોર અસામાજિક તત્વો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતાં.
જમીનની માલિકીનો દાવો : ક્વોરી પર ધસી આવેલા આ અસામાજિક તત્વોમાં મહિલાઓ પણ શામેલ હતી. તેઓ કહી રહ્યા હતા કે જ્યાં ક્વોરી ચાલે છે એ જમીન અમારી છે અને તમે અહીંથી ખાલી કરીને ચાલ્યા જાવ. જોકે ક્વોરી માલિકે વર્ષો પહેલા આ જમીન વેચાણથી લીધી હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસે જમીનના દસ્તાવેજી પુરાવા હોવાનું પણ જણાવ્યું હતું.
ક્વોરી ઉદ્યોગ બંધ : ક્વોરી માલિક પર હુમલાની ઘટનાને લઈ ગઈકાલથી ક્વોરી ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ ક્વોરી ઉદ્યોગકારોએ આજરોજ વાંકલ ગામ તેમજ સુરત જિલ્લા ક્વોરી ઉદ્યોગ બંધ રાખવાનું એલાન કર્યું હતું. સુરત જિલ્લા કવોરી એસોસિયેશન ઉપપ્રમુખ રજનીભાઈએ જણાવ્યું હતું બનેલ બનાવને લઇને આજરોજ સમગ્ર વાંકલ ગામ તેમજ સુરત જિલ્લા ક્વોરી ઉદ્યોગ જડબેસલાક બંધ રાખવામાં આવ્યો છે. ,ક્વોરી ઉદ્યોગકારોએ માંગ કરી છે કે પોલીસ દ્વારા આ અસામાજિક તત્વોને જેમ બને તેમ જલ્દી પકડી લઈ કડકમાં કડક સજા કરવામાં આવે.