સુરત : હાલમાં જ સુરત જિલ્લામાં પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેને અડીને આવેલ કઠવાડા ગામે ગત શનિવારની રાત્રિના એક યુવક સળગેલી હાલતમાં મૃત અવસ્થામાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે મૃતકના સળગેલા કપડાં પાકીટ વગેરે મળતા તેની ઓળખ થઈ હતી.
પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો : મૃતકની ઓળખ થતા જ કોસંબા પોલીસે તેમના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી અને મૃતદેહનું પેનલ પીએમ કરાવ્યું હતું. મૃતદેહનું પેનલ પીએમ કર્યા બાદ ડોક્ટરોએ પ્રાથમિક તારણ આપતા જણાવ્યું કે, યુવક ગંભીર રીતે દાઝી જવાને કારણે મૃત્યુ પામ્યો છે, તેમજ મૃતક જ્યારે સળગ્યો હતો ત્યારે જીવિત હતો
હત્યા કે આત્મહત્યા, ગૂંચવાયેલો પ્રશ્ન : હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે યુવકની જો હત્યા થઈ તો તે કોણે કરી અથવા યુવકે જાતે આત્મહત્યા કરી તો, ક્યાં કારણોસર ? આ પ્રશ્ન શોધવા પોલીસ મથામણ કરી રહી છે. આ કોઈ ઇરાદાપૂર્વક કાવતરું છે કે નહી તથા યુવકને જાનથી મારી નાખવા માટે જ્વલનશીલ પદાર્થ નાખી તેને સળગાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહ અહીં ફેંકી ગયાની થીયરી સાથે પોલીસે પ્રાથમિક ફરિયાદમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો.
"ઘટનાની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ કેસમાં કોસંબા પોલીસ સાથે સાથે LCB ટીમ પણ તપાસમાં જોડાય છે. મૃતકનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે. હાલ તપાસનો દોર શરૂ છે." -- એમ. કે સ્વામી (PI, કોસંબા પોલીસ મથક)
ઘટનાસ્થળે તપાસ કરતા શું મળ્યું ? આ મામલે કોસંબા પોલીસે તપાસ શરૂ કરી છે. જે જગ્યાએ મૃતદેહ મળ્યો તેનાથી અંદાજે 500 ફૂટ દૂર ખેતરમાંથી યુવકના સળગેલા કપડાં, પાકીટ, મોબાઈલ વગેરે મળી આવ્યા હતા, જેથી યુવક સળગીને ત્યાંથી હાઇવે તરફ દોડ્યો હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે FSL ટીમની મદદથી ઘટનાસ્થળેથી યુવકના કપડાં અને માટીના સેમ્પલ વગેરે કલેક્ટ કર્યા છે.
પોલીસને મળ્યો મજબૂત પુરાવા : ઘટનાસ્થળેથી પોલીસને સફેદ પ્લાસ્ટિકની ડબ્બીના બે ઢાંકણ મળ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ડબ્બી ઘટનાસ્થળે જ સળગી ગઈ છે, જે ડબ્બીમાં જ્વલનશીલ પદાર્થ ભર્યું હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ ડબ્બીમાં જ્વલનશીલ પદાર્થ યુવક લાવ્યો કે અન્ય કોઈ ઈસમ લઈને આવ્યો તે અંગે માહિતી મેળવવા પોલીસ આજુબાજુના પેટ્રોલ પંપ પર CCTV ફૂટેજની ચકાસણી પણ કરશે.
કોણ છે મૃતક યુવક ? યુવકની ઓળખાણ થતા તેનું નામ હીરાની બ્રિજેશ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક બ્રિજેશના માતા-પિતા અને એક ભાઈ અમરેલીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તે પોતે સુરત વરાછામાં પોતાના એક ભાઈ સાથે રહેતો હતો. તેનો ભાઈ રત્નકલાકાર છે. ગુરુવારે બપોરે છેલ્લી વખત તેના ભાઈ સાથે સાંજે જમવા બાબતે ફોન ઉપર વાત થઈ હોવાનું તેના ભાઈએ પોલીસને જણાવ્યું હતું. ત્યારબાદ તેનો સંપર્ક તૂટ્યો હતો.