વલસાડઃ એસ સી એસ ટી અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ગીકરણ અંગેના નિર્ણયને લઈને આદિવાસી સમાજ દ્વારા અપાયેલા બંધને સમર્થન મળ્યું છે. અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા સમગ્ર દેશમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા બંધને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. જે મુજબ આજે વહેલી સવારથી ધરમપુર બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું.
કપરાડા તાલુકામાં મુખ્ય બજાર નાનાપોંઢામાં દુકાનો ખુલી રહી: વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા આ બંને તાલુકાઓ આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા એસટીએસસી અંગે વર્ગીકરણ અંગેનો નિર્ણય લેવાતા તેના વિરોધમાં સમજતા આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન 21 તારીખના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુરમાં સજ્જડ બંધ પાડ્યો હતો. દુકાનદારોએ જ્યારે કપરાડા તાલુકાના નાનાપોન્ડા મુખ્ય બજાર વહેલી સવારથી ખુલ્લું રહ્યું હતું. મોટાભાગની દુકાનદારોએ દુકાનો ખુલ્લી રાખી હતી.
વલસાડ જિલ્લામાં બંધની અસર જોવા મળી: જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્વારા આ બંધને સમર્થન આપવામાં આવ્યું જેને પગલે ધરમપુર તાલુકાના મુખ્ય બજારમાં ટાવર રોડ સમડી ચોક હાથી ખાના બજાર રોડ સહિત અનેક વિસ્તારમાં મોટાભાગની દુકાનો રેસ્ટોરન્ટો બંધ રહ્યા હતા અને મોડી સાંજ સુધી બજાર બંધ રહ્યું હતું. લોકોની અવરજવર પણ ખૂબ જૂજ પ્રમાણમાં જોવા મળી હતી જ્યારે બીજી તરફ વલસાડના શહેરી વિસ્તારમાં બંધની અસર આંશિક જોવા મળી હતી.
ધરમપુર તાલુકા ખાતે સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું: ધરમપુર તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બંધને સમર્થન આપવાની જાહેરાત કરાતા આજે વહેલી સવારથી જ ધરમપુર શહેરના બજારોની મોટાભાગની દુકાનોમાં દુકાનદારોએ સ્વૈચ્છિક બંધ પડી બંધને સમર્થન આપ્યું હતું. જોકે આસુરા સર્કલ ઉપર આદિવાસી સમાજના અગ્રણીઓ અને તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિતના સમર્થકો એકત્ર થયા હતા. જે બાદ મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંવિધાનથી ઉપર જઈને લેવામાં આવેલો નિર્ણય ગણાવી આ નિર્ણય રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટનો નિર્ણયનો વિરોધ..!: એસટીએસસીને લઈને હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ગીકરણ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણયને આદિવાસી સમાજે વિરોધ કર્યો છે. એમણે કહ્યું કે, આ નિર્ણય સામાન્ય માણસના હક ઉપર તરાપ મારવામાં આવી છે. એક સામાન્ય વ્યક્તિ એકવાર આરક્ષણ લીધા બાદ તેના પરિવાર બીજીવાર આરક્ષણ લઈ શકે નહીં, આ તે કેવા પ્રકારનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. જે અંગે તાલુકા પંચાયત અપક્ષ સભ્યએ જણાવ્યું કે, આ પ્રકારનો નિર્ણયએ સંવિધાનની ઉપર જઈને લેવાનો નિર્ણય છે. જે સામાન્ય માણસના હક ઉપર તરાપ મારી હોવાનું તેમણે જણાવ્યું છે.
આમ વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં બજાર વિસ્તાર સજ્જડ બંધ રહ્યું હતું. વહેલી સવારથી બંધ રહેલી દુકાનો મોડી સાંજ સુધી બંધ રહી હતી. જો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાની દ્રષ્ટિએ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો.