રાજકોટ: ગોંડલની એક ખાનગી સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીની તબિયત બગડતા મોત થયાની ઘટનામાં સામે આવી છે. આ ઘટના સામે આવતા રક્ષાબંધનના એક દિવસ પહેલા 2 બહેનોના ભાઈનું મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
ખાનગી શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો: ગોંડલની એક ખાનગી સ્કૂલની ધોરણ 12માં માળીયા હાટીનાનો 17 વર્ષીય વિદ્યાર્થી શ્યામ લલિતભાઇ પાઠક અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો. જેની તબિયત બગડતા સ્કૂલ દ્વારા ગોંડલની ખાનગી ક્લિનિકમાં બાટલા ચડાવવામાં આવ્યા હતા. સારવાર બાદ હોસ્ટેલ સંચાલકો વિદ્યાર્થીને હોસ્ટેલ લઇ ગયા હતા અને વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
હોસ્પિટલ પહોંચે તે પહેલા વિદ્યાર્થીનું મોત: પરિવારના સગા ગોંડલમાં રહેતા હતા. વિદ્યાર્થીને સારવાર અર્થે જ્યાં સારવાર કરી તે જ ખાનગી ક્લિનિકમાં લઇ જતા ક્લિનિક બંધ હતી. ક્લિનિકની પાસે મેડિકલમાંથી કોઈ દવા લીધી હતી અને તેને મોટી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હજુ હોસ્પિટલ સારવારમાં પહોંચે એ પહેલા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. હાલ વિદ્યાર્થીના સગાએ તેમના માતા પિતાને જાણ કરી છે. તેમના માતા-પિતા માળીયા હાટીના રહે છે અને તેઓ ત્યાંથી ગોંડલ આવવા રવાના થઈ ગયા છે.
પરિવારમાં શોકનો માહોલ: આ ઘટનાની જાણ થતાં ગોંડલનો બ્રહ્મ સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતક બાળકના મૃતદેહને પી.એમ.અર્થે રાજકોટ ફોરેન્સિક લેબમાં ખસેડવામાં આવે તેવી બ્રહ્મ સમાજની માંગ કરવામાં આવેલ હતી. કયા કારણે વિદ્યાર્થી અચાનક બીમાર પડવું અને મોતને ભેટવું ઘણા સવાલ ઊભા કરી રહ્યા છે. ત્યારે રક્ષાબંધના તહેવાર પર બે બહેનોનો ભાઈ આજે મોતને ભેટ્યો છે. ત્યારે પરિવારમાં અરેરાટી ફેલાઈ છે. કોની બેદરકારીના કારણે શ્યામ મોતને ભેટ્યો છે. એ PM રિપોર્ટ બાદ બહાર આવશે.