બનાસકાંઠાઃ બાળકો શાળામાં શિક્ષણ મેળવવા જાય છે પરંતુ અમીરગઢના વિરમપુર પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણના સમયે જ ટોયલેટ સાફ કરાવતા હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. જેમાં ગામના એક અગ્રણી દ્વારા સ્કૂલમાં ઓચિંતી તપાસ કરતા બાળકો શાળાના ટોયલેટ સાફ કરતા નજરે પડ્યા હતા. તે સમયે આ અગ્રણી દ્વારા બાળકોનો આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.
શું આ રીતે ભણશે ગુજરાત?: એક તરફ ગુજરાતમાં પ્રવેશોત્સવના નામે મોટા મોટા ખર્ચા કરવામાં આવે છે. બાળકો ભણીને ગુજરાતનું નામ રોશન કરે તેવા સપના સરકાર બાળકોને બતાવે છે પણ બનાસકાંઠાના વિરમપુર પ્રાથમિક શાળામાં કંઈક અલગ જ સ્થિતિ છે. જે બાળકો અહીંયા શિક્ષણ લેવા આવે છે તે બાળકો પાસે ટોયલેટ સાફ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં બાળકો ખુદ કહી રહ્યા છે કે ટોયલેટ સાફ કરાવવા માટે શિક્ષકોએ વારા બાંધ્યા છે. જે ગુરુઓનું કામ બાળકોને શિક્ષણ આપવાનું છે તે ગુરુઓ બાળકો પાસે શાળામાં આ પ્રકારનું કામ કરાવે તે કેટલું યોગ્ય છે?
યોગ્ય કાર્યવાહીની માંગઃ બાળક ભણી ગણીને પગભર થાય અને કંઈક મોટા માણસ બને તેવા સપના વાલીઓ સેવતા હોય છે પરંતુ સ્કૂલના આ દ્રશ્યો સામે આવતા વાલીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠી રહી છે.