રાજકોટ: આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષના બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા છે. જેને લઈને દેશભરમાં કોંગી નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ મામલે રાજકોટમાં પણ કોંગ્રેસ અને NSUIના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરના કિસાનપરા ચોક ખાતે NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા. જે દરમિયાન પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડ્યા હતા અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર લોકશાહીનું ચિરહરણ કરી રહી છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે એવામાં કોઈ વિરોધ પક્ષના નેતાઓ તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવે, અથવા પ્રજાનો અવાજ સરકાર સમક્ષ રાખે ત્યારે ED CBI કે ઇન્કમટેક્સ સહિતની તપાસ એજન્સીઓને હાથો બનાવીને આ નેતાઓ અને તેની પાર્ટીઓને દબાવવાનું કામ વારંવાર કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરીને આ સરકાર દ્વારા ઇન્કમટેક્સને હાથો બનાવીને લોકશાહીનું ચીરહરણ કરી રહી છે. જેના વિરોધમાં NSUI દ્વારા રોડ ઉપર ઉતરીને તેના વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
પોલીસે કાર્યકરોને ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડ્યા
કોંગ્રેસ દ્વારા આજે શહેરના કિસાનપરા ચોક ખાતે રસ્તો ચક્કાજામ કરવાનો કાર્યક્રમ યોજવાનો હતો પરંતુ NSUIના કાર્યકર્તાઓ ચક્કાજામ કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસ દ્વારા પણ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમા જ ED દ્વારા કોંગ્રેસ પક્ષના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જેને લઇને દેશભરમાં કોંગી કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજકોટમાં પણ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.