સેલવાસ: હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા 32 કલાકમાં સરેરાશ 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જિલ્લાના સૌથી મોટા ડેમ એવા મધુબન ડેમના પણ 10 દરવાજા 2 મીટર સુધી ખોલી 96298 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે મધુબન ડેમના 10 દરવાજા ફરી એકવાર ખોલવામાં આવ્યાં છે. ડેમના ઉપરવાસમાં વરસતા ભારે પવન સાથેના વરસાદથી ડેમના કેચમેન્ટ એરિયામાં 77 હજાર ક્યુસેક નવા પાણીની આવક થઈ રહી છે. ડેમનું રુલ લેવલ હાલ 75.80 મીટર પર સ્થિર કરી તમામ 10 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જેના દ્વારા 96298 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે.
સેલવાસ, દમણમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ: સેલવાસ-દમણ અને વલસાડમાં 2 દિવસથી જામેલા વરસાદી માહોલથી અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે પવન સાથે વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ઝાડ પડવાના અને રસ્તાઓ પણ પાણી ભરાઈ જવાના બનાવો બન્યા છે.
રસ્તા ધોવાયા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા: સેલવાસમાં છેલ્લા 32 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ખાનવેલમાં 32 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો દમણમાં 32 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. એ જ રીતે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ છેલ્લા 32 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો હોય રસ્તાના ધોવાણ, ઝાડ પડવાના, પાણી ભરાઈ જવાથી નાનીમોટી ખાનાખરાબી સર્જાઈ છે.
32 કલાકમાં નોંધાયેલો વરસાદ: વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 15 ઇંચ, ધરમપુર તાલુકામાં 15 ઇંચ, પારડી તાલુકામાં 17 ઇંચ, કપરાડા તાલુકામાં 17 ઇંચ, ઉમરગામ તાલુકામાં 9 ઇંચ, વાપી તાલુકામાં 17 ઇંચ વરસાદ છેલ્લા 32 કલાકમાં વરસ્યો છે.
સેલવાસમાં સિઝનનો 100 ઇંચ વરસાદઃ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં સીઝનના નોંધાયેલ વરસાદની વાત કરીએ તો દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં સિઝનનો કુલ વરસાદ 100 ઇંચ થયો છે. જ્યારે દમણમાં અને વાપીમાં સિઝનનો કુલ વરસાદ 90 ઇંચ પર પહોંચ્યો છે. હજુ પણ ઘનઘોર વાદળો અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો હોય આગામી 24 કલાકમાં આ તમામ વિસ્તારમાં સિઝનનો કુલ વરસાદ પોતાની સદી ફટકારી જશે તેવી આશા લોકોમાં વર્તાઈ રહી છે.