વલસાડ: સુરત એસીબી મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવસારી એ.સી.બીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી.રાઠવાએ તેમની ટીમ સાથે લાંચીયા પોલીસ કર્મીઓને ઝડપવા માટે છટકું ગોઠવ્યું હતું. અને 89,000 ની લાંચની રકમ લેવા માટે ઉમરગામ ગાંધીવાડી વલ્લભ હાઇટ્સ બિલ્ડીંગ ખાતે માવલા ચાની દુકાનની બહાર હેડ કોન્સ્ટેબલ પરેશકુમાર રામભાઈના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ મુરુભાઈ રાયદેભાઈ ગઢવી લાંચની રકમ લેવા ગયો હતો. ત્યારે 89 હજારની લાંચની રકમ લેતા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની નવસારી એસીબીએ ધરપકડ કરી હતી.
દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને મારઝુડ અને હેરાન ન કરવા લાંચ માંગી: આ લાંચિયા પોલીસ કર્મીઓએ દારૂના ગુનામાં વોન્ટેડ જાહેર થયેલા આરોપીને ધરપકડ બાદ તેને મારઝૂડ ન કરવા તેમજ હેરાન પરેશાન ન કરવા રૂપિયા 1 લાખની લાંચની રકમ માંગી હતી. બંને પોલીસ કર્મીને એસીબીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સ્પેશિયલ કોર્ટે બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર: 89 હજારની લાંચ માંગી તે સ્વીકારવાના ગુનામાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારીઓને સ્પેશિયલ જજ સમક્ષ રજૂ કરી સાત દિવસના
રિમાન્ડ વલસાડ એસીબી પોલીસે માંગ્યા હતા. જે સંદર્ભે વાપીના સ્પેશિયલ જજ શ્રી ટી.વી.આહુજાએ એક લાખ રૂપિયાની લાંચ માંગી તે સ્વીકારવાના ગુનામાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારીઓ (૧) પરેશકુમાર રામભાઇ રામ અને (૨) મુરુભાઈ રાયદેવભાઈ ગઢવીને વલસાડ એ.સી.બી પોલીસ દ્વારા લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરી સ્પેશ્યિલ જજ સમક્ષ રજૂ કરી દિન-૭ ના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતા જે રિમાન્ડ અરજી સંદર્ભે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને તા.૧૦/૦૬/૨૦૨૪ નાં કલાક ૧૭:૦૦ વાગ્યે સુધી (બે દીવસના) પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો હતો.
આમ તો એસીબીએ સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી પણ કોર્ટે વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ મથકે ફરજ બજાવતા બે લાંચીયા પોલીસ કર્મીઓને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.