મોરબી : મોરબીના શનાળા ગામ નજીક નિર્માણાધિન મેડિકલ કોલેજની છત ભરતી વેળાએ સ્લેબ તૂટી પડવાનો બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા ચારેક જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે એક શ્રમિકને રાતે 3 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. હજુ પણ ફાયર વિભાગ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે.
મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી : બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા નજીક નવી મેડિકલ કોલેજ બની રહી છે. જેમાં છત ભરતી વખતે એક સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં ચાર જેટલા શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેમાંથી ત્રણ શ્રમિકોને તરત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. એક શ્રમિકને રાત્રે લગભગ 3 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો.
રેસ્ક્યુ ઓપરેશન : આ ઘટનાની જાણ થતા રાત્રીના દોડધામ મચી ગઈ હતી. મોરબી તેમજ રાજકોટની ફાયર વિભાગની ટીમે સંયુક્ત કામગીરી કરી તુરંત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. તમામ શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા.
ટંકારાના MLA ઘટનાસ્થળે પહોંચ્યા : ઘટનાની જાણ થતા જ ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ દુર્લભજી દેથરીયા જણાવ્યું હતું. જોકે પૂરતા સાધનો કેમ નહોતા તેવા પ્રશ્નના જવાબમાં ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને બોલાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.