ગાંધીનગર : વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આજે ત્રીજી વાર શપથ લીધા હતા. મોદી મંત્રીમંડળમાં કોનો સમાવેશ થાય તેની પર સૌની મીટ મંડાયેલી હતી. મોદી મંત્રીમંડળની શપથવિધિ સમારોહ પૂર્ણ થતા મંત્રીમંડળ અંગે ચિત્ર સ્પષ્ટ થયું છે. ગુજરાતમાંથી 6 સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
મોદી મંત્રીમંડળ 3.0 : ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના વારાણસીથી સાંસદ છે. ગુજરાતમાંથી અપેક્ષિત અમિત શાહ, જે.પી. નડ્ડા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર અને સી.આર. પાટીલે ભારતના બંધારણ અને ગુપ્તતાના શપથ લીધા છે. જ્યારે નિમુબેન બાંભણિયાનું નામ સ્કાયલેબ આવ્યું છે. અનેક સિનિયર સાંસદો ફોન કોલની રાહ જોતા રહ્યા અને નિમુબેનના નસીબ આડેથી પાંદડું ખસ્યું છે. તેમને મંત્રી પદ માટે કોલ આવતા સુખદ આશ્ચર્ય સર્જાયું છે.
- અમિત શાહ
પૂર્વ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નરેન્દ્ર મોદીના ખૂબ જ વિશ્વાસુ છે. મોદી મંત્રી મંડળમાં તેમનો સમાવેશ અપેક્ષિત હતો. 2014 લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની જીતનો પાયો અમિત શાહે નાખ્યો હતો. મોદી મંત્રીમંડળમાં અમિત શાહને ગૃહ, વિદેશ, સંરક્ષણ, નાણાં જેવા મહત્વના પૈકી કોઈ એક ખાતું મળી શકે તેવી સંભાવના છે. અમિત શાહે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ વિસ્તાર કર્યો છે. ભાજપનો હિન્દી હાર્ટ લેન્ડમાંથી આગળ વધારી બંગાળ, ઓરિસ્સા, આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરલા સુધી વિસ્તાર થયો છે.
અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964 ના રોજ થયો હતો. પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ સંઘમાં જોડાયા હતા. જ્યાં તેમની ઓળખાણ નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. બાદમાં તેઓ ABVP માં જોડાયા હતા. વર્ષ 1987માં ભાજપમાં જોડાયા હતા. 1987માં તેમને ભાજપ યુવા મોરચાના સભ્ય બનાવવામાં આવ્યા. 1991માં તેમણે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણી પ્રચાર સંભાળ્યો હતો. અમિત શાહને બીજી સૌથી મોટી તક 1996માં મળી, જ્યારે અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. આ ચૂંટણીમાં પણ અમિત શાહે ચાર્જ સંભાળ્યો હતો.
1987ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં નારણપુરામાં ઘરની સામે આવેલી સંઘવી હાઇસ્કૂલમાં ભાજપના બૂથ ઇનચાર્જ બન્યા હતા. અમિત શાહ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ, અમદાવાદ શહેર ભાજપના મંત્રી અને પછી પ્રમુખ બન્યા હતા. 1995માં કેશુભાઈ પટેલની સરકારે અમિત શાહને ગુજરાત રાજ્ય નાણાકીય નિગમના અધ્યક્ષ બનાવ્યા હતા. 1997માં સરખેજ વિધાનસભા સીટ પર 25,000 મતોથી પેટા ચૂંટણી જીતીને અમિત શાહે સક્રિય રાજકારણમાં શાનદાર શરૂઆત કરી. આજ વર્ષે તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચી પણ બન્યા હતા.
1998માં ફરીવાર થયેલ ચૂંટણીમાં તેઓ સરખેજ વિધાનસભા બેઠક પરથી લડ્યાં અને 1.30 લાખ વોટથી વિજયી બન્યા હતા. નવા સીમાંકન બાદ નારણપુરાથી ચૂંટણી જીત્યા હતા. 2000 ની સાલમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન પણ બન્યા હતા. 2002માં ગૃહરાજ્યમંત્રી, 2013 માં રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી, 2014માં ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. 2016 માં સોમનાથ મંદિરના ટ્રસ્ટી, 2017 માં રાજ્યસભા સાંસદ અને 2019 માં કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા હતા.
- એસ. જયશંકર
સુબ્રમણ્યમ જયશંકરનો જન્મ 9 જાન્યુઆરી, 1955ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં એક સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એસ. જયશંકરે પ્રાથમિક શિક્ષણ દિલ્હીની એરપોર્ટ સેન્ટ્રલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેમણે ગ્રેજ્યુએશન માટે દિલ્હી યુનિવર્સિટી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એસ. જયશંકરે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી M.A પોલિટિક્સની PG ડિગ્રી મેળવી, JNU કોલેજમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં M.Phil અને PhD ડિગ્રી મેળવી હતી.
અહીં સુધી પહોંચતા પહોંચતા એસ. જયશંકરે હિન્દી ઉપરાંત, તમિલ, રશિયન, ઇંગ્લીશ, મેડ્રિડ જાપાનીઝ સહિતની ઘણી ભાષાઓ પર સારી પકડ બનાવી લીધી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે UPSC ની તૈયારી શરૂ કરી અને પરીક્ષામાં સફળ થયા પછી, તેઓ 1977 માં ભારતીય વિદેશ સેવાનો ભાગ બન્યા હતા.
એસ. જયશંકર ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે. તેઓ 1977 માં IFS અધિકારી તરીકે જોડાયા હતા. તેમણે મોસ્કોમાં ભારતીય હાયકમિશનમાં સચિવ તરીકે ફરજ અદા કરી છે. ચેક રિપબ્લિક, ચીન, સિંગાપોર સહિતના દેશોમાં ભારતના રાજદૂત તરીકે રહ્યા છે. 2019 માં તેઓ ગુજરાતથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. મોદી સરકારમાં સફળ વિદેશ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ સતત બીજીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે.
સુબ્રમણ્યમ જયશંકરને ટૂંકમાં એસ. જયશંકર કહે છે, તેઓ હાલમાં ભારતના વિદેશ મંત્રી છે. વિદેશ મંત્રી બનતા પહેલા જયશંકર જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી ભારત સરકારના વિદેશ સચિવ હતા. વિદેશ સચિવ તરીકે તેમણે અમેરિકા અને ચીનની ખૂબ જ મહત્વપૂર્ણ રાજદ્વારી સોંપણીઓ પર કામ કર્યું છે. આ સિવાય એસ. જયશંકર 2007 થી 2009 સુધી સિંગાપોરના હાઈ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી સરકારમાં ફરીથી તેમને વિદેશ વિભાગનો હવાલો મળી શકે તેવી સંભાવના છે.
- જે.પી. નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ જે. પી. નડ્ડાએ પણ ભારતના બંધારણ અને ગુપ્તતાના શપથ લીધા છે. જે.પી નડ્ડાનો જન્મ 2 ડિસેમ્બર, 1960 ના રોજ થયો હતો. તેઓ 1993માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. 20 જાન્યુઆરી 2020 થી તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે. તાજેતરમાં તેઓ ગુજરાતથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં જે.પી. નડ્ડા મંત્રી પરિષદના સભ્ય રહી ચૂક્યા છે. તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે, જેપી નડ્ડા 2012 માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. મોદી સરકાર બન્યા બાદ વર્ષ 2014 માં અમિત શાહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. તેમણે જેપી નડ્ડાને સંસદીય બોર્ડમાં સામેલ કર્યા હતા. વર્ષ 2019 માં અમિત શાહ ગૃહમંત્રી બન્યા અને જેપી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. 2020 માં અધ્યક્ષના રૂપમાં તેમની તાજપોશી કરવામાં આવી હતી.
ભાજપના સંવિધાન અનુસાર અધ્યક્ષનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. આ સાથે જ એક અધ્યક્ષને સતત બે કાર્યકાળ મળી શકે છે. તેમ છતાં જેપી નડ્ડાને 2023 માં લોકસભા ચૂંટણીની તૈયારી કરવા માટે માત્ર એક વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો હતો. આ એક્સટેન્શન જૂન 2024માં જ સમાપ્ત થવા જઈ રહ્યું છે. તેથી હવે તેમને મોદી સરકારમાં ફરી મંત્રી બનાવવામાં આવ્યા છે. જેપી નડ્ડાની સરકારમાં વાપસી બાદ એ નક્કી થઈ ગયું છે કે જલદી જ ભાજપને આગામી અધ્યક્ષ મળી શકે છે.
- ડો. મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયાનો જન્મ 1 જૂન, 1972 ના રોજ થયો હતો. તેઓ 2002 થી 2007 સુધી પાલીતાણાથી ધારાસભ્ય રહ્યા હતા. બે વખત રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2013 માં ભાજપના સ્ટેટ સેક્રેટરી અને 2015માં જનરલ સેક્રેટરી તરીકે હોદ્દા પર રહી ચૂક્યા છે. કોરોના બાદ કઠિન પરિસ્થિતિમાં 2021 માં તેમને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે હવાલો સોંપવામાં આવ્યો હતો. તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે દેશમાં કોરોના રસીકરણ અભિયાન સફળ રીતે ચલાવ્યું છે.
2004ના વર્ષે તેમણે કન્યા કેળવણી માટે 145 કિલોમીટર લાંબી પદયાત્રા કરી, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેઓ ABVP માં સક્રિય હતા, એ વખતે પણ તેઓ કન્યા કેળવણી માટે કામ કરી રહ્યા હતા. મનસુખભાઈ ધારાસભ્ય બન્યા બાદ 2005માં તેમણે પાલીતાણા તાલુકાના 40 જેટલા ગામડાઓમાં કન્યા કેળવણી જ્યોત પદયાત્રાનું આયોજન કર્યું હતું. બાદમાં પાલીતાણા વિધાનસભામાં આવતા આશરે 100 ગામડાંની 2007માં પદયાત્રા કરી હતી.
મનસુખ માંડવિયાનો સાયકલ ચલાવવાનો પ્રેમ પણ અનેક વખત ચર્ચામાં આવ્યો છે. પ્રથમ વખત રાજ્યકક્ષાના મંત્રી બન્યા ત્યારે શપથવિધિમાં તેઓ પોતાના ઘરેથી સંસદ સુધી સાયકલ પર ગયા હતા. સાયકલ પર સંસદ પહોંચવાની તેમની તસવીર વાયરલ પણ થઈ હતી. તેઓ મોદી સરકારની પ્રથમ ઇનિંગમાં રાજ્યકક્ષાના રોડ અને ટ્રાન્સપોર્ટ, હાઇવે, કેમિકલ અને ફર્ટિલાઇટર, તેમજ શિપિંગ મંત્રી રહી ચૂક્યા છે.
સક્રિય રાજનીતિમાં તેઓ 1996માં પ્રવેશ્યા અને ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા. માત્ર બે જ વર્ષમાં તેઓ પાલિતાણા ભાજપના પ્રમુખ બન્યા અને 2002માં તેઓ તે ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી યુવા ચહેરા તરીકે ઊભરી આવ્યા. 2004 અને 2006માં તેઓ કન્યા કેળવણી માટે પદયાત્રાઓ યોજીને રાજ્યની નેતાગીરીની નજરમાં આવ્યા અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને બિરદાવ્યા.
2010માં તેઓ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બન્યા, 2012માં તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી લડ્યા, ત્યારે ભાજપે મોટાપાયે સભ્ય બનાવવાની ઝુંબેશ ચલાવી હતી. તે સમયે ગુજરાતમાંથી સભ્ય બનાવવાની જવાબદારી માંડવિયાને સોંપાઈ હતી. નરેન્દ્ર મોદીની પ્રથમ કેબિનેટના બે વર્ષ બાદ 2016માં તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું હતું.
2018માં ફરીથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા, 2019માં ગાંધીવિચારના પ્રસાર માટે તેમણે એક પદયાત્રા કરી, તે સમયે ઇન્ટરનેટ મારફતે નરેન્દ્ર મોદી જોડાયા અને આ પ્રકારનું આયોજન કરવા બીજા સાંસદોને પણ અપીલ કરી હતી.
મહિલા સશક્તિકરણ માટે UNICEF દ્વારા તેમને મન ફૉર મેન્સ્ટ્રૂએશન એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2020માં ડેવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2008માં ભાજપની કારોબારી મિટિંગમાં રાજ્યની તમામ નેતાગીરી હાજર હતી, ત્યારે સંબોધન તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનસુખ માંડવિયા અને ભરત પંડ્યાના જાહેરમાં વખાણ કર્યાં હતાં.
- સી. આર. પાટીલ
સીઆર પાટીલ 2009 થી નવસારી લોકસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ સતત ચોથી વાર આ સીટ પરથી જીતવામાં સફળ થયા છે. સી.આર.પાટીલને નવી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેઓ નવસારીથી 7.73 લાખની સરસાઈ સાથે જીત્યા હતા.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત ભાજપનું અધ્યક્ષ પદ સંભાળી રહેલા પાટીલ હવે મંત્રી બનતાં ગુજરાત ભાજપના સંગઠનમાં પણ મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતથી કોઈ નેતાને મંત્રીપદ વર્ષોથી અપાતું રહ્યું છે. ગત ટર્મમાં દર્શના જરદોશને પણ મંત્રી બનાવાયા હતા. ભૂતકાળમાં કાશીરામ રાણા અને મોરારજી દેસાઈ પણ કેન્દ્ર સરકારમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
સી. આર. પાટીલનો જન્મ 16 માર્ચ, 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાવમાં થયો હતો. પાટીલે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રમાં લીધું હતું. આગળના અભ્યાસ માટે તેઓ સુરત આવ્યા હતા. તેઓ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે 14 વર્ષ સુધી ગુજરાત પોલીસ વિભાગમાં નોકરી કરી હતી. 1984 માં પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી 1989 થી તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા છે.
સી.આર. પાટીલ વર્ષ 1995 થી 97 સુધી GIDC ના ચેરમેન રહ્યા છે. 2007માં તેમણે સુરતની 84 વિધાનસભા મત વિસ્તારમાંથી ટિકિટ માંગી હતી. પરંતુ તેમના સ્થાને પાણી પુરવઠા મંત્રી નરોત્તમ પટેલને ટિકિટ મળી હતી. પાટીલે લિંબાયતના નીલગીરી મેદાનમાં જંગી મેદની એકત્ર કરીને નરેન્દ્ર મોદીની નજરમાં આવી ચૂક્યા હતા. નરેન્દ્ર મોદી સી.આર. પાટીલની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થતા. 2009 લોકસભા ચૂંટણીમાં નવસારીથી ટિકિટ આપી હતી. 2009માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ સી આર પાટીલે પાછું વાળીને જોયું નથી.
સી. આર. પાટીલે 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 સીટ અપાવીને માધવસિંહ સોલંકીના 149 સીટના રેકોર્ડને તોડી નાખ્યો છે. પાટીલનો નવસારીથી 7.73 લાખ મતે વિજય થયો છે, તેમણે 2019 માં 6.89 લાખ માટે વિજય મેળવ્યો હતો. તેમની સીટમાં લીડનો સતત વધારો થતો જાય છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે તેમનો સારો ઘરોબો છે. તેમની ઓફિસને ISO સર્ટિફિકેટ મળ્યું છે. તેઓ સુરત શહેર ભાજપના ખજાનચી પણ રહી ચૂક્યા છે.
- નિમુબેન બાંભણિયા
લોકસભા ચૂંટણી 2024 માં ભાવનગર લોકસભા બેઠક પર જંગી લીડથી વિજયી બનેલા ભાજપના સાંસદ નિમુબેન બાંભણિયાને મોદી 3.0ના મંત્રીમંડળમાં રાજ્ય મંત્રી પદે સ્થાન મળતા કેન્દ્રીય કક્ષાએ ભાવનગરનું રાજકીય કદ બેવડાયું છે. પોરબંદરના સાંસદ અને મૂળ ભાવનગર જિલ્લાના વતની ડો. માંડવિયા બાદ ભાવનગરને કેન્દ્ર સરકારના મંત્રી મંડળમાં મંત્રી પદ મળ્યું હોય તેવો આ બીજો કિસ્સો નોંધાયો છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળમાં ભાવનગરના બેવડા પ્રતિનિધિત્વના પગલે સ્થાનિક ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
ભાવનગર લોકસભા બેઠક પર સતત બે ટર્મથી સાંસદ ડો. ભારતીબેન શિયાળની આ વખતે ટિકિટ કાપીને ભાજપે તળપદા કોળી જ્ઞાતિના મહિલા ચહેરા અને વ્યવસાયે શિક્ષક એવા 57 વર્ષીય નિમુબેન જયંતીભાઈ બાંભણિયાને ટિકિટ આપી હતી. જેમાં તેમનો 4.55 લાખની જંગી બહુમતીથી પ્રતિસ્પર્ધી ઉમેદવાર સામે વિજય થયો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ બીજા ક્રમે અને રાજ્યની 26 લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર તરીકે સૌથી વધુ મતોની લીડ નિમુબેન બાંભણિયાને મળી હતી. સાથે જ આજે રચાયેલાં મોદી 3.0ના મંત્રીમંડળમાં તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, નિમુબેન એકમાત્ર મહિલા સાંસદ છે જેઓ મોદી 3.0 મંત્રી મંડળમાં ગુજરાતમાંથી કેન્દ્રીય રાજ્ય મહિલા મંત્રી તરીકે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત આ વખતે તેમને પ્રથમ વખત ટિકિટ મળવાની સાથે જંગી બહુમતીથી તેમનો વિજય થયો હતો. તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિશેષ જવાબદારી મળી છે. જોકે, તેમને આ જવાબદારી મળવા પાછળ સ્થાનિકથી લઈ પ્રાદેશિક જ્ઞાતિ સમિકરણ, શિક્ષિત OBC મહિલા તથા સૌરાષ્ટ્રની પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિને કેન્દ્રના મોવડી મંડળે ધ્યાને લીધી હોવાની ચર્ચા છે.
B.Sc. અને B. Ed. જેવો ઉચ્ચ અભ્યાસ ધરાવતા નિમુબેન વર્ષ 2005થી 2020 એમ સતત ત્રણ ટર્મ સુધી ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.13 ઘોઘા સર્કલમાં નગરસેવક રહી ચૂક્યા છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પ્રતિસ્પર્ધી સામે સૌથી વધુ મતોની લીડ મેળવી હોવાનો ઈતિહાસ છે. ઉપરાંત વર્ષ 2009થી 2010 તથા ડિસેમ્બર, 2015 થી જૂન 2018 એમ બે ટર્મ સુધી તેઓ ભાવનગર મહાનગરપાલિકાના મેયર પદે પણ રહી ચૂક્યા છે.
નવનિયુક્ત કેન્દ્રીય રાજ્યમંત્રી બાંભણિયા સત્તાની સાથે સંગઠનમાં સતત જવાબદારી નિભાવતા આવ્યા છે. જેમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખથી પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તથા શહેર ભાજપ ઉપપ્રમુખથી લઈ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ સુધીની જવાબદારીનો સમાવેશ થાય છે. ઉપરાંત તેઓએ જિલ્લા પ્રભારીથી લઈ ચૂંટણી નિરીક્ષકની જવાબદારી પણ નિભાવી છે.
સામાજિક કક્ષાએ કોળી સમાજના વિવિધ સંગઠનો અને એસોસિએશન તથા રેડક્રોસ, ભાવનગરમાં પણ તેઓ સભ્ય છે. તેમની કેન્દ્ર સરકારમાં રાજ્ય મંત્રી તરીકે પસંદગી થતાં સવારથી જ ભાવનગર શહેર અને જિલ્લા કક્ષાએ ભાજપ સંગઠન તથા તેમના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે મેયરથી રાજકીય સફર શરૂ કરનાર નિમુબેન આજે કેન્દ્ર સરકારમાં રાજ્ય મંત્રી સુધીના પદ પર પહોંચ્યા છે, જે બાબતે પણ નોંધ લેવી જ રહી.
સંસદમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ : આમ ગુજરાતથી ચૂંટાયેલા છ સાંસદોને નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. એસ. જયશંકર અને જે. પી. નડ્ડા મૂળ ગુજરાતી ન હોવા છતાં તેઓ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. તેવી જ રીતે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી વારાણસી લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોક પ્રતિનિધિઓ ગુજરાત અને દેશના વિકાસમાં કેવું યોગદાન આવે તે જોવું રહ્યું...