બનાસકાંઠાના: બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જીલ્લો માનવામાં આવે છે. પરંતુ આ જિલ્લામાં અનેક તાલુકાઓ છે. જે સમગ્ર ગુજરાતમાં વખણાઈ રહ્યા છે, ત્યારે સરહદી વિસ્તારમાં આવેલું સુઇગામ તાલુકાનું મમાણા ગામ પણ ઐતિહાસિક ગામ તરીકે સમગ્ર ગુજરાતમાં વખણાઇ રહ્યું છે. કારણ કે આ ગામમાં 1961 થી લઈ આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. છતાં પણ આ ગામમાં તમામ પ્રકારની સુખ સુવિધા ઉપલબ્ધ છે.
ભારતમાં સિધ્ધરાજ સોલંકીનું શાસન: બનાસકાંઠાના સરહદી ગણાતું સુઇગામ તાલુકામાં આવેલું મમાણ ગામના આગેવાન એવા કે.પી.ગઢવીએ જણાવ્યું હતું કે 1100 વર્ષ પહેલા સમગ્ર ભારતમાં સિધ્ધરાજ સોલંકીનું શાસન હતું. ત્યારે આ ગામની સ્થાપના થઈ હતી. અમારા વડવાઓને સિધ્ધરાજ સોલંકીએ કંકાલ નામની કવૈત્રીને હરાવાથી આ ગામને સિધ્ધરાજ સોલંકીએ આનંદજી અને કર્મણજીને આ ગામ શાસન માટે સોપ્યું હતું. 1961માં જ્યારે પંચાયત રાજની સ્થાપના થઈ ત્યારથી લઇ અત્યાર સુધી મમાણા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી.
ગામના લોકો જ ચૂંટણી યોજે છે: આ ગામમાં મહિલાઓ સરપંચ તરીકેની ફરજ બજાવે છે. અત્યારે ઉમેદદાન ગઢવી સરપંચ તરીકે મમાણા ગામમાં ફરજ બજાવે છે. અમારા ગામમાં અત્યાર સુધી ચૂંટણી ન થવાથી ગામના લોકો સાથે હળી મળી રહે છે. અને ભાઈચારાની ભાવના જળવાઈ રહી છે. જ્યારે પણ પંચાયતની ટમ પૂરી થાય છે. ત્યારે ગામના તમામ લોકો ભેગા મળી કોને સરપંચ બનાવવા તે નક્કી કરાય છે. અને ગામના લોકો જે નક્કી કરે છે તેમને સરપંચ તરીકે ચૂંટાડવામાં આવે છે. આ ગામમાં ગામના હિત માટે અને લોકોના સુખાકારી માટે વર્ષોથી કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા સુઈગામ તાલુકાનું મમાણા ગામ 2500 થી વધુ જન સંખ્યા ધરાવે છે. આ ગામમાં 1100 ની આસપાસ મતદારો છે. આ મમાણા ગામમાં આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. છતાં પણ આ ગામમાં તમામ પ્રકારની સુખ સુવિધા ઉપલબ્ધ છે. આ ગામના સ્થાનિક અગ્રણી નરસિંહભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમારા ગામમાં પ્રજાપતિ, ગઢવી, ઠાકોર, વાલ્મિકી, પંચાલ, સુથાર સહિતના તમામ સમાજના લોકો વસવાટ કરે છે.
બિનહરીફ સરપંચ ચૂંટવામાં આવતા: ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં જ્યારે પંચાયત રાજની સ્થાપના થઈ ત્યારથી લઈ આજ દિન સુધી અમારા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી વર્ષો પહેલા મમાણા ગામ અને લિંબાળા ગામ આ બંને ગામની એક પંચાયત હતી ત્યારે પણ ચૂંટણી થતી નથી પરંતુ આ બંને ગામમાંથી દર પાંચ વર્ષે એક બિનહરીફ સરપંચ ચૂંટવામાં આવતા અને તમામ વિકાસના કાર્ય પણ કરવામાં આવતા પરંતુ જ્યારે આ બંને ગામની ગ્રામ પંચાયત અલગ થઈ છતાં પણ આ મમાણા ગામમાં હજુ સુધી પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. તેમજ આ ગામના વડીલો અને યુવાનોએ આજ દિન સુધી ચૂંટણી પણ આ ગામમાં જોઈ નથી અને આ ગામ વર્ષોથી સમરસ્ત છે અને ગામના લોકો એ પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ આ ગામ સમરસ્ત રહેશે.
તમામ પ્રકારની સુખ સુવિધાઓ: નરસિંહભાઈ પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પણ થતી નથી. છતાં પણ અમારા ગામમાં પાણી, ગટર, આરસીસી રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગાર્ડન, અમૃતસાગર તળાવ, બાળવાટિકા, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તેમજ કોલેજ સુધીનું તમામ શિક્ષણ અમારા ગામમાં અપાય છે. અને આ ગામમાં કોઈપણ નાના મોટો પ્રશ્નો હોય તો તમામ આગેવાનો ભેગા થઈ ગામમાં જ તે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે છે. જેથી આ ગામમાં કોઈપણ વ્યક્તિ સામે કે ઉપર પોલીસ મથકમાં FIR પણ નોંધાઈ નથી. તેનું કારણ એ જ છે કે તમામ પ્રશ્નોનું ગામમાં જ નિરાકરણ લાવી દેવામાં આવે છે. અને તમામ લોકો એક મતે રહી અને ભાઈચારાની ભાવના સાથે હળી મળી સાથે રહે છે. જેથી આ ગામમાં વર્ષોથી ચૂંટણી યોજાતી નથી.
ગામમાં ચૂંટણી થશે કે નહીં?: અન્ય ગામમાં ચૂંટણી યોજાય છે ત્યારે આ ગામના લોકો સાંભળે છે. અને જોવે છે કે ચૂંટણીમાં હાર જીતના પરિણામ આવતા હોય છે. જેથી ગામમાં મન દુઃખ થાય છે. અને ઝઘડા થતા હોવાથી બે જૂથ પડી જતા હોય છે. જેથી ગામમાં કોઈપણ વિકાસના કાર્ય થતા નથી. તે જોઈ આ ગામના લોકોએ પોતાના ગામમાં ચૂંટણી થવા દેતા નથી અને આ ગામ વર્ષોથી સમરસ્ત થતું આવે છે. અને આ ગામના લોકો જણાવી રહ્યા છે કે આજ દિન સુધી અમારા ગામમાં ચૂંટણી થઈ નથી અને આવનારા સમયમાં પણ આ ગામમાં ચૂંટણી થવા દેશે નહીં.