નવસારી: જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા અંતરિયાળ કાવડેજ ગામે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડાંગ જિલ્લાના 30 આદિવાસી પરિવારોને હિન્દુ ધર્મમાં પરત ફરતા ‘ઘરવાપસી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ કાર્યક્રમનું આયોજન અગ્નિવીર હિંદુ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. પરિવારોએ આ પુન:પ્રવેશ કાર્યક્રમને અનુસરીને સામૂહિક રીતે યજ્ઞમાં ભાગ લીધો હતો.
શુદ્ધિકરણ મહાયજ્ઞમાં આદિવાસી પરિવારો જોડાયા: આ 'શુદ્ધિકરણ મહાયજ્ઞ' માં આ આદિવાસી પરિવારો માટે વિશેષ વિધિ અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. જેથી તેઓ હિન્દુ ધર્મમાં પરત ફરી શકે. આ પરિવારો વર્ષો અગાઉ કોઈક કારણોસર ઈસાઈ ધર્મમાં જોડાયા હતા અને હાલમાં તેમની ઈચ્છા અનુસાર તેઓ હિન્દુ ધર્મમાં પાછા ફર્યા છે. યજ્ઞને લઈને સમગ્ર કાર્યક્રમમાં હિન્દુ ધર્મના મહત્વની વ્યાખ્યા અને પરંપરાગત રીતિઓ અનુસાર યજ્ઞ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં આસપાસ ગામોના લોકો ઉપસ્થિત: અગ્નિવીર હિંદુ સંગઠનના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 7 વર્ષથી 'ઘરવાપસી' માટે કાર્યરત છે અને વિવિધ ધર્મોમાં જોડાયેલા લોકો માટે હિન્દુ ધર્મમાં પરત ફરવાની તક અને માર્ગદર્શિકા પ્રદાન કરે છે. સંગઠનના મુખ્ય કાર્યકર્તાઓએ જણાવ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો દ્વારા આદિવાસી સમુદાયોમાં સામાજિક સંકલન અને ધાર્મિક જોડાણનું મહત્વ વધારવું હેતુ છે. આ કાર્યક્રમમાં આસપાસના ગામોના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
શુદ્ધિકરણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું: અગ્નિવીર હિંદુ સંગઠનના સભ્ય મહેન્દ્ર રાજપુત જણાવે છે કે, કાવડેજ ગામે આજે એક શુદ્ધિકરણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 30 આદિવાસી પરિવારોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરવામાં આવી છે. અમે છેલ્લા 7 વર્ષથી 1200 થી વધુ પરિવારને હિન્દુ ધર્મમાં વાપસી કરાવી શક્યા છીએ. આ વિસ્તારોમાં અમે સતત ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો અમે અહીં આદિવાસી વિસ્તારોમાં કરીએ છીએ. સાથે જ નાના મોટા મંદિર બનાવવાના કાર્ય પણ અમારા વિસ્તારમાં શરૂ છે. જેથી આ વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ બનેલો રહે. અમે સમૂહ લગ્નનું પણ આયોજન કરીએ છીએ. ધર્મ માટે અમે સતત જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ અને બહેનોને સાડી વિતરણ કર્યું છે.
આ પણ વાંચો: