જૂનાગઢ : આવતી કાલથી શ્રાદ્ધ પર્વ શરૂ થઈ રહ્યું છે. શ્રાદ્ધ પક્ષમાં એક દિવસના ઘટાડાને અશુભ તેમજ નવરાત્રીમાં દિવસોમાં વધારાને શુભ માનવામાં આવે છે. આવતીકાલથી શરૂ થઈ રહેલા શ્રાદ્ધ પક્ષમાં એક દિવસનો ઘટાડો આ વર્ષે જોવા મળશે. પૃથ્વી પરના માનવજાતની સાથે ખેડૂતોને કૃષિ પેદાશોમાં રોગ જીવાતનો સામનો કરવો પડી શકે છે, તેવા સમયનું સર્જન શ્રાદ્ધ પક્ષમાં થઈ શકે છે. જેનો અભિપ્રાય જ્યોતિષાચાર્ય શાસ્ત્રી ચેતનભાઈ શુક્લાએ વ્યક્ત કર્યો છે.
શ્રાદ્ધ પક્ષની શરૂઆત : આ વર્ષે પાંચમ અને છઠનું શ્રાદ્ધ એક દિવસે આવી રહ્યું છે, જેને કારણે એક દિવસનો અંતરાલ જોવા મળે છે. બીજી તરફ અગિયારસના શ્રાદ્ધ બાદ શનિવારનો દિવસ પડતર નોંધાયો છે, જેના કારણે આ વખતનો શ્રાદ્ધ પર્વ માણસ જાત માટે મુશ્કેલભર્યો બની શકે છે. વધુમાં પૂનમનો ક્ષય પણ જોવા મળે છે. જેથી આ વર્ષે પૂનમનો શ્રાદ્ધ પણ થઈ શકે તેમ નથી. સામાન્ય રીતે પૂનમથી અમાસના 16 દિવસના શ્રાદ્ધ પર્વનું મહત્વ સનાતન ધર્મ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે.
દિવસનો ઘટાડો અમંગલકારી : જ્યોતિષશાસ્ત્ર સાથે ખૂબ બહોળો અનુભવ ધરાવતા જૂનાગઢના જ્યોતિષાચાર્ય શાસ્ત્રી ચેતનભાઈ શુક્લાએ ETV Bharat સાથે વાત કરતા શ્રાદ્ધ પર્વની સ્થિતિનું વિશ્લેષણ કર્યું છે. શ્રાદ્ધ પક્ષમાં ઘટાડો થવાથી પતિ-પત્ની વચ્ચે વિગ્રહની સાથે વેપાર ધંધામાં ખોટ અને ખેડૂતોના પાકમાં અચાનક કોઈ રોગચાળો દેખા દે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. આવતી કાલથી શરૂ થઈ રહેલો શ્રાદ્ધ પક્ષ માનવ જાતની સાથે કૃષિ પેદાશો અને ધંધા રોજગારમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ થયા મુજબની વિસ્તૃત માહિતી શાસ્ત્રી ચેતનભાઈ શુક્લાએ આપી છે.
પિતૃ ભોજન અને શ્રદ્ધા : શ્રાદ્ધ પક્ષ પિતૃઓના આત્માને શાંતિ મળે તે માટે પણ યોજવામાં આવે છે. ભગવાન રામે તેમના પિતા દશરથનું અને ભગવાન કૃષ્ણએ તેમની લીલા સંકેલતા પૂર્વ ત્રિવેણી ઘાટ ખાતે સમગ્ર યાદવ કુળનું શ્રાદ્ધ કર્યું હોવાની સનાતન ધર્મની એક લોકવાયકા આજે પણ એટલી જ લોકમુખે ચર્ચાઈ છે. શ્રાદ્ધ પર્વના આ દિવસો દરમિયાન પ્રત્યેક વ્યક્તિએ તેમના પિતૃઓને ભોજન કરાવાની સાથે પાંચ ભાખરી અગાશી પર દૂધ સાથે મૂકીને પિતૃઓના પ્રતીક રૂપે કાગને ભોજન કરાવવું જોઈએ. આમ પિતૃઓના આશીર્વાદ આ દિવસો દરમિયાન પ્રાપ્ત કરવા જોઈએ તેવું શાસ્ત્રી ચેતનભાઈ શુક્લા જણાવે છે.