ભૂજ: કચ્છ પંથકમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે પૂર્વ કચ્છના ભચાઉની ખોળાસરમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાની ઘટના બની હતી. 15 જેટલી ભેંસો નદીના વહેણમાં તણાઈ ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
નદીના તેજ પ્રવાહમાં ભેંસો તણાઈ: ભચાઉના લાકડીયા-ખોળાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ભારે પાણી વહી નીકળ્યા હતા જેના પ્રવાહમાં ભેંસો તણાતી હોય એવો લાઈવ વિડીયો સામે આવ્યો હતો. તો લાખેણી ભેંસો પાણીમાં તણાતા માલધારીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાઇ હતી.સોશિયલ મીડિયામાં ભેંસો તણાતી હોવાનો વીડિયો વાયુવેગે ફેલાતા લોકો પણ ચિંતાતૂર બન્યા હતાં.
નખત્રાણામાં બારે મેઘ ખાંગા:આ તરફ નખત્રાણામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને થોડીવારમા તો સમગ્ર પંથકને જળબંબાકાર કરી નાખ્યો હતો. નખત્રાણાની મુખ્યમાં બજારમાં તો જાણે કે નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
નખત્રાણા- ભુજ હાઇવેને અસર: નખત્રાણા- ભુજ હાઇવે પર ટ્રાફિક અવરોધાયો હતો અને લોકોએ વોકળાઓની બંને બાજુએ રાહ જોવી પડી હતી .જોકે રિસ્ક લઈને બાઈક સવાર વોકળામાંથી પસાર થવા જતા બાઈક પાણીના પ્રવાહમાં તણાઈ હતી. આસપાસના સ્થાનિક લોકોએ બાઈકને તણાતા અટકાવી હતી.