જૂનાગઢ : જૂનાગઢનો શાહ પરિવાર આજે તરછોડાયેલી, બીમાર અને રસ્તે લાવારીસ મળેલી બિલાડીઓની સુરક્ષાની સાથે તેની સંભાળ રાખી રહ્યો છે. વર્ષ 2019 પહેલા અમિતભાઈ શાહની પુત્રીએ મુંબઈથી બિલાડીની સુરક્ષાનું અભિયાન શરૂ કર્યું હતું. તે આજે પાંચ વર્ષ બાદ જૂનાગઢમાં પણ આગળ વધી રહ્યું છે.
રઝળતી બિલાડીઓનો રખેવાળ : જૂનાગઢમાં રહેતા અમિત શાહ તરછોડાયેલી, બીમાર કે કોઈએ છોડી મૂકેલી બિલાડીઓ માટે આશીર્વાદ સમાન બની રહ્યા છે. વર્ષ 2019 પૂર્વે તરછોડાયેલી બીમાર અને લાવારીશ બિલાડીઓની સુરક્ષા અને સંભાળ અમિતભાઈની પુત્રીએ મુંબઈમાંથી શરૂ કરી હતી. એક બિલાડીથી શરૂ થયેલું કેટ હાઉસ આજે જૂનાગઢ સુધી વિસ્તરી ગયું છે. બિલાડીઓને સાચવવાની અને તેની દેખભાળ કરવાની સાથે બીમાર બિલાડીઓની સારવાર પણ શાહ પરિવાર કરી રહ્યો છે. આજે જૂનાગઢના શાહ પરિવાર પાસે 28 જેટલી બિલાડી અને તેના બચ્ચા સુરક્ષિત રીતે ઉછરી રહ્યા છે.
28 બિલાડીઓનું કેટ હાઉસ : અમિત શાહ અને તેના પરિવાર પાસે હાલ જૂનાગઢના કેટ હાઉસમાં 28 જેટલી નાની-મોટી બિલાડી અને તેના બચ્ચા સુરક્ષિત છે. દિવસ દરમિયાન બિલાડીઓને જમવા અને રહેવા માટેની તમામ વ્યવસ્થા 500 ચોરસ વારના મકાનમાં પાછલા પાંચ વર્ષથી થઈ રહી છે. બિલાડીને કોઈ નુકસાન ન પહોંચે તેમજ રખડતા શ્વાનો બિલાડી પર હુમલો ન કરે તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરી છે. જેની પાછળ દર મહિને અંદાજે 30 થી લઈને 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.
મુંબઈ અને ગોવાની બિલાડી : અમિત શાહની પુત્રી ગોવામાં ઇજનેર તરીકે કામ કરી રહી છે. મોટાભાગની બિલાડીઓ ગોવા અને મુંબઈથી જૂનાગઢ પહોંચી છે. મુંબઈના કેટ હાઉસમાં 40 કરતા વધુ અલગ અલગ દેશી પ્રજાતિની બિલાડીઓ છે. જેમાંની કેટલીક બિલાડી નાસી જવામાં સફળ રહી, તો કેટલીક બિલાડીઓના અવસ્થાને કારણે મોત પણ થયા. તેમ છતાં આજે મુંબઈથી સ્થળાંતરિત થયેલા જૂનાગઢના કેટ હાઉસમાં 28 જેટલી બિલાડી અને તેના બચ્ચા સુરક્ષિત છે. પાડોશમાં રહેતા કેટલાક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી, પરંતુ અમિત શાહ તમામ વિપરીત પરિસ્થિતિ વચ્ચે કેટ હાઉસ ચલાવી રહ્યા છે.