અમદાવાદ : દેશના સૌથી મોટા સંગીત ઉત્સવમાં સ્થાન ધરાવનાર સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025 નું આયોજન 1 થી 13 જાન્યુઆરી દરમિયાન એલ.ડી. આર્ટસ કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યું છે.
સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025 : દર વર્ષે, ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રેમીઓ, જાણકારો અને રસિકો નવા વર્ષની શરૂઆત કરવા માટે એક જ ઇવેન્ટની આતુરતાથી રાહ જુએ છે, જે છે સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવ ! હંમેશની જેમ, સપ્તક શહેરમાં પ્રખ્યાત ઉસ્તાદ, શાસ્ત્રીય સંગીત જાણકારો, નવા ઉભરતા સંગીતકારો અને સંગીતના માર્તંડોને લાવશે.
13 દિવસ મંત્રમુગ્ધ કરતા સંગીતનો જલસો : આ વર્ષની ઇવેન્ટ સપ્તકના સહ-સ્થાપક મંજુ મહેતા અને ઉસ્તાદ ઝાકિર હુસૈનને વિશેષ શ્રદ્ધાંજલિ છે. 13 દિવસ સુધી ચાલનાર આ સંગીત ઉત્સવમાં 43 રોમાંચક સત્રો છે, જેમાં 150 કલાકારો કંઠ્ય, ઇન્સ્ટ્રુમેન્ટલ અને ડાન્સ પર્ફોમન્સ કરશે. ઉસ્તાદોથી લઈને ઉભરતી પ્રતિભાઓ સુધી, આ ઉત્સવ ભારતીય શાસ્ત્રીય સંગીતના સમૃદ્ધ વારસામાં મહત્વનું યોગદાન માનવામાં આવે છે.
હરિપ્રસાદ ચૌરસિયા વાંસળીના સૂર રેલાવશે : આ 13 દિવસ ચાલતા સંગીત ઉત્સવમાં વાંસળી પર હરિપ્રસાદ ચૌરસિયા, અજોય ચક્રવર્તી, શુભા મુદગલ, માલિની અવસ્થી અને સાજન મિશ્રા અને વાદ્ય કલાકારો જેવા કે શુજાત ખાન, વિશ્વ મોહન ભટ્ટ અને અમજદ અલી ખાન. અનોખો સ્પર્શ ઉમેરતા, રાજા રવિ વર્માના વંશજ રાજકુમાર રામા વર્મા વીણા પર પરફોર્મ કરશે, જ્યારે સંસ્કૃતિ અને પ્રકૃતિ, સિતાર અને સંતૂરની જુગલબંધી રજૂ કરશે.
ડૉ. મલ્લિકા સારાભાઈ અને રેવંતા સારાભાઈ ભરતનાટ્યમ અને કુચીપુડી અને મૌલિક શાહ અને ઈશિરા પરીખ કથકનું પ્રદર્શન કરશે. આ ફેસ્ટિવલમાં સોના અભિષેક અને મંજુ શાહ પાટીલ દ્વારા રજૂ કરાયેલ મહારાષ્ટ્રનું ભક્તિ સંગીત સ્વરૂપ "અભંગવાણી" પણ રજૂ કરવામાં આવશે.